આપણું ગુજરાત

પોલીસ ભરતીની દોડ પૂર્ણ કર્યા બાદ રાજકોટમાં યુવકનું હાર્ટ એટેકથી મોત

રાજકોટઃ ગુજરાતમાં હજારો-લાખો યુવાનો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યાં છે. તેવામાં ગુજરાત સરકાર દ્વારા પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જેથી અનેક યુવાનો ભરતીની તેયારીમાં લાગી ગયાં હતા. ઉમેદવારોએ તનતોડ મહેનત કરી છે, પરંતુ આ દરમિયાન કેટલાકનું મોત થયું હોવાનું પણ પ્રકાશમાં આવતું હોય છે. આવી જ એક ઘટના રાજકોટના ગોંડલમાં બની છે.

દોડ પૂર્ણ કર્યા બાદ તરત જ આવ્યો હાર્ટ એટેક

એસઆરપી ગ્રાઉન્ડ પર શારીરિક કસોટીમાં પાસ થયાં બાદ એક યુવકનું મોત થયું છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ના મલરવાડી ગામના રહેવાસી 27 વર્ષીય નીતિન ચૌહાણે સોમવાર સવારે એસઆરપી ગ્રાઉન્ડ પર શારીરિક કસોટીમાં 5 કિમી દોડ 23 મિનિટમાં પૂર્ણ કરી હતી. દોર પૂર્ણ કર્યા બાદ જ્યારે તે બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેને તરત જ ચેસ્ટ પેઈન થયો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને તે ત્યાંજ ઢળી પડ્યો હતો. સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા પરંતુ ત્યા તેનું મોત થઈ ગયું છે.

પોલીસે અકસ્માત મોતનો રિપોર્ટ નોંધ્યો

નીતિન ચૌહાણ પાસે બીએસસી અને એમએસસી ડિગ્રીઓ હતી, વર્ષોથી પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યો હતો અને લગભગ એક વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. પોસ્ટમોર્ટમમાં હૃદયમાં બ્લોકેજ કારણ જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માત મોતનો રિપોર્ટ નોંધીને તપાસ શરૂ કરી હતી. હવે શારીરિક કસોટી માટેના ભરતી સ્થળો પર તબીબી તપાસ અને ઇમરજન્સી પ્રોટોકોલની સમીક્ષા કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

ભરતી પ્રક્રિયામાં તાજેતરની ત્રીજી ઘટના બની

ચોંકાવનારી વાત એ છે કે, ગુજરાત પોલીસની ચાલુ ભરતી પ્રક્રિયામાં તાજેતરની ત્રીજી એવી ઘટના છે. ભરૂચ અને છોટા ઉદેપુરમાં પણ આવી જ ઘટના બની હતી. આજે ફરી રાજકોટમાં આવી ઘટના બની છે. શારીરિક કસોટી માટે જતા યુવાનોને અત્યારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button