ગુજરાત પોલીસ ભરતી 2024; જિલ્લાવાર આંકડામાં બનાસકાંઠા મોખરે, આ રહી સંપૂર્ણ વિગતો…

અમદાવાદઃ ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી (LRD) 2024ના પરિણામ જાહેર થઈ ગયું છે. તેની તમામ વિગતો શેર કરી દેવામાં આવ્યાં છે. પાસ થયેલા ઉમેદવારોની જિલ્લાવાર વિગતો પણ પ્રકાશમાં આવી છે. LRD 2024 ની ભરતીના નિમણૂક પત્રો આપવાના બાકી છે. પોલીસ ભરતીની છેલ્લી પસંદગી યાદી 12 ડિસેમ્બરે સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી હતી.
કુલ 11,899 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી
ભરતીના વાત કરવામાં આવે તો, ગુજરાત પોલીસમાં લોકરક્ષક ભરતી 2024ના જાહેર થયેલા અંતિમ પરિણામ પ્રમાણે કુલ 11,899 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં પુરુષ 8782 પુરુષ ઉમેદવારો અને 3117 મહિલા ઉમેદવાર પાસ થઈ છે. આ ભરતી પ્રક્રિયા દરમિયાન રાજ્યમાં 382 ઉમેદવારોએ વિવિધ કારણોસર પોતાની ઉમેદવારી જતી કરી હોવાનું પણ સામે આવ્યું છે. બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં જનરલ કેટેગરીનું પુરુષ ઉમેદવારોનું કટઓફ 132.25 જ્યારે મહિલા ઉમેદવારોમાં 113.50 રહ્યું હતું. હથિયારી પોલીસમાં જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે કટઓફ 124.50 અને મહિલા ઉમેદવારો માટે 100.75 કટઓફ રહ્યું હતું.
આ પણ વાંચો…ગુજરાત પોલીસના 75 PI ને DySP તરીકે પ્રમોશન, પોલીસ બેડામાં ખુશીનો માહોલ…
LRD 2024 ની ભરતીમાં બનાસકાંઠા જિલ્લો સૌપ્રથમ સ્થાને
જિલ્લાવાર આંકડાની વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લો સૌપ્રથમ સ્થાન પર રહ્યો છે, જ્યાંથી 1,581 ઉમેદવારો LRD 2024 પરીક્ષામાં પાસ થયા છે. ભાવનગર જિલ્લો 1,377 ઉમેદવારો સાથે બીજા ક્રમે રહ્યો છે, જ્યારે ત્રીજા ક્રમે સુરેન્દ્રનગર જિલ્લામાંથી 811 યુવાનો પોલીસ ભરતીમાં સિલેક્ટ થયા છે. અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય તથા શહેર મળી કુલ 801 ઉમેદવારોને સફળતા મળી છે, જેમાંથી 315 ગ્રામ્ય અને 486 શહેર વિસ્તારના છે.
બાકીના જિલ્લાની વાત કરવામાં આવે તો, ક્રમશઃ ગીર સોમનાથ 634, સુરત (ગ્રામ્ય + શહેર) 616 (260+356), રાજકોટ (ગ્રામ્ય + શહેર) 610 (328+282), પાટણ 505, મહેસાણા 383, જૂનાગઢ 353, જામનગર 332, અમરેલી 302, સાબરકાંઠા 298, બોટાદ 296, ગાંધીનગર 219, અરવલ્લી 218, દાહોદ 217, મોરબી 217, તાપી 195, નવસારી 117, દેવભૂમિ દ્વારકા 175, વલસાડ 121, છોટા ઉદેપુર 114, પોરબંદર 106, ખેડા 106, કચ્છ 95, મહિસાગર 92, પંચમહાલ 90, નર્મદા 87, આણંદ 82, વડોદરા (ગ્રામ્ય + શહેર) 75 (21+54), ભરૂચ 59 અને ડાંગ જિલ્લામાંથી 36 ઉમેદવારોની પાસ થયાં છે.
ગુજરાતમાં લોકરક્ષક કેડરની લગભગ 12000 જેટલી જગ્યા માટે 10.93 લાખ ઉમેદવારોએ શારીરિક પરીક્ષા આપી હતી. આમાંથી કુલ 2.47 લાખથી વધુ ઉમેદવારોએ 15 જૂન 2025ના રોજ લેખિત પરીક્ષા આપી હતી. તારીખ 30 જૂનના રોજ ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. જ્યારે પોલીસ ભરતીની છેલ્લી પસંદગી યાદી 12 ડિસેમ્બરે સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી હતી.



