
રાજકોટ: ગુજરાત પોલીસ વિભાગ માટે ફરી એક વાર કલંક રૂપ કોભાંડનો પર્દાફાસ થયો છે. દેશના ઘણા રાજ્યોમાં ફેલાયેલું ખંડણી રેકેટ ચલવવા બદલ ત્રણ પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. એક અખબારી અહેવાલ મુજબ પોલીસ જૂનાગઢ રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (DIG) નિલેશ જાજડિયાના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
અખબારી અહેવાલ મુજબ જુનાગઢના B-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટર એસએન ગોહિલ દ્વારા નોંધાયેલ એફઆઈઆરમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ત્રણેય આરોપી પોલીસ કર્મીઓએ તપાસના બહાને 335થી વધુ બેંક ખાતાઓ ફ્રીઝ કરાવી દીધા હતા, જેના બદલામાં ખાતાધારકો પાસેથી ખંડણી ઉઘરાવવાનો પ્રયાસ કર્યો હતો.
ખંડણી રેકેટમાં ભોગ બનેલા એક શખ્સે DIGનો સંપર્ક કર્યા બાદ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. આરોપી પોલીસકર્મીઓમાં ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ, જૂનાગઢના સાયબર ક્રાઈમ સેલના ઈન્સ્પેક્ટર એએમ ગોહિલ અને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર દિપક જાનીનો સમાવેશ થાય છે. ત્રણેય સામે IPCની કલમ 167, 465,385, 120b હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો પણ ઉમેરવામાં આવી છે.
નોંધાયેલી FIR મુજબ, આરોપી પોલીસોકર્મીઓએ ઓનલાઈન સટ્ટાબાજીમાં સામેલ વ્યક્તિઓને નિશાન બનાવ્યા હતા. પોલીસ કર્મીઓએ બેંક ખાતાઓમાં ‘શંકાસ્પદ’ વ્યવહારોના નકલી ‘ગુપ્ત’ ઇનપુટ બનાવ્યા અને અમુક વ્યક્તિઓના ખાતા ફ્રીઝ કરવા માટે બેંકોને નકલી નોટિસ પાઠવી હતી.
તરલ ભટ્ટ પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) અમદાવાદમાં પોસ્ટેડ હતા. તેમના પર ગયા વર્ષે અમદાવાદમાં બહાર આવેલા રૂ. 1,800 કરોડના સટ્ટાબાજીના કૌભાંડના આરોપીઓ પાસેથી કથિત રીતે નાણાં લેવાના આરોપ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તરલ ભટ્ટની સટ્ટોડિયાઓ સાથે સાંઠગાંઠ છે, જેની મદદથી તેણે સટ્ટાબાજીના નાણાંની લેવડદેવડ માટે ઉપયોગમાં લેવાતા બેંક ખાતાઓનું એક લીસ્ટ મેળવ્યું હતું. તેમાંથી કેટલાક ખાતા અસલી હતા જ્યારે મોટા ભાગના ખાતા, ધારકની જાણકારી વગર ખોલવામાં આવ્યા હતા. સૂત્રો જણાવ્યું હતું કે ખાતાઓની યાદી એજન્ટો અથવા બુકીઓ દ્વારા પૂરી પાડવામાં આવી હશે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે વાત કરતાં, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તરલ ભટ્ટે જૂનાગઢમાં સાયબર ક્રાઈમ સેલમાં પોસ્ટેડ તેના સાથીદાર ઇન્સ્પેક્ટર એ.એમ. ગોહિલને બેંક ખાતાની વિગતો આપી હતી.
ગોહિલે અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચના બે દિવસ પહેલા 17 નવેમ્બરના રોજ વિવિધ બેંક ખાતાઓમાં ગેરકાયદેસર વ્યવહારો વિશે ‘ગુપ્ત ઇનપુટ’ હોવાનું દર્શાવવા માટે નકલી દસ્તાવેજો બનાવ્યા હતા.
અહેવાલ મુજબ આ બેંક ખાતાઓનો ઉપયોગ કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટા માટે કરવામાં આવતો હતો. જૂનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ 17 નવેમ્બરે જ 281 ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. જૂનાગઢના સાઈબર ક્રાઈમ સેલ દ્વારા નોટિસના આધારે કુલ 335 ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા જેના માટેની નોટીસ કોઈપણ પોલીસ ફરિયાદ વિના પાઠવવામાં આવી હતી.
કાયદા મુજબ, ફરિયાદ દાખલ થયા પછી અને પ્રાથમિક તપાસમાં આરોપોની ખરાઈ થયા પછી જ પોલીસને કોઈપણ બેંક ખાતાને ફ્રીઝ કરવાની સત્તા છે. પરંતુ આ કિસ્સામાં, આવી કોઈ કાર્યવાહીનું પાલન કરવામાં આવ્યું ન હતું.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગના બેંક ખાતાઓ જેના નામ પર હતા, તેઓને આ ખાતાઓ અંગે જાણ ન હતી. પરંતુ જેઓ આ ખાતાઓ ચલાવતા હતા તેમણે ખાતામાં મોટી રકમ જમા કરાવી હતી અને તેઓ ઇચ્છતા હતા કે આ ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવે. બેંક ખાતાઓ અનફ્રીઝ કરવા માટે પોલીસને મોટી રકમ ચુકવવામાં આવી હતી.
કેરળના રહેવાસી કાર્તિક ભંડારીએ રેન્જ ડીઆઈજી જૂનાગઢ નીલેશ જાજડિયાની ઓફિસમાં સંપર્ક કર્યા બાદ આ રેકેટનો પર્દાફાશ થયો હતો. ભંડારીને ડિસેમ્બર 2023માં જાણ થઈ હતી કે જૂનાગઢ સાયબર ક્રાઈમ સેલ પોલીસના આદેશ પર બેંક દ્વારા તેમનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે.
કાર્તિક ભંડારી 16 જાન્યુઆરીએ જુનાગઢ આવ્યા હતા અને સાયબર ક્રાઈમ સેલના ઈન્સ્પેક્ટર એ એમ ગોહિલ અને સબ ઈન્સ્પેક્ટર દિપક જાની સાથે બેઠક કરી હતી. ભંડારીના જણાવ્યા અનુસાર, આરોપી પોલીસકર્મીઓ બેંક ખાતાને અનફ્રીઝ કરવા માટે તેમની પાસેથી 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
આરોપીઓએ કથિત રીતે ભંડારીને કહ્યું હતું કે બીજા કેટલાકે પણ ખાતાને અનફ્રીઝ કરવા માટે સમાન રકમ ચૂકવી હતી.
નોંધનીય છે કે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ના એક રીપોર્ટ મુજબ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાંથી પોલીસ ખાતા સામે લાંચ લેવાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. ગત વર્ષે અમદવાદમાં પોલીસ અધિકારીઓએ સામાન્ય નાગરીકો પાસેથી મોટી રમકની વસુલાત કરતા હોવાની ઘણી ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી બે કેસ ખુબ ચર્ચામાં આવ્યા હતા. હવે ફરી એકવાર ગુજરાત પોલીસને નીચું જોવા પણું થયું છે.