સાયબર ઠગ સામે ગુજરાત પોલીસની મેગા સ્ટ્રાઇક, 5.51 કરોડ રૂપિયા નાગરિકોને પરત અપાવ્યા...
આપણું ગુજરાત

સાયબર ઠગ સામે ગુજરાત પોલીસની મેગા સ્ટ્રાઇક, 5.51 કરોડ રૂપિયા નાગરિકોને પરત અપાવ્યા…

રૂપિયા 804 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સિન્ડિકેટનો પર્દાફાશ

અમદાવાદઃ ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષાની તમામ જવાબદારી નિભાવવામાં આવે છે તેવું સરકાર કહેતી રહે છે. આજે તે સાબિત પણ થઈ ગયું છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે, ‘ગુજરાતના નાગરિકોની પરસેવાની કમાણી પર તરાપ મારનારા સાયબર ઠગ સામે ગુજરાત પોલીસે જંગ છેડી છે’.

જી હા, ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમ સામે બેવડી સફળતા મેળવી છે, જેમાં છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને રૂપિયા 5.51 કરોડથી વધુની રકમ પરત અપાવવામાં આવી છે અને રૂપિયા 804 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સિન્ડિકેટનો પર્દાફાશ પણ કર્યો છે.

ગુજરાત પોલીસની સયબર ફ્રોડ વિરુદ્ધની કામગીરી સરાહનીય

સ્ટેટ સાયબર ક્રાઈમ સેલના અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવતા હર્ષ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત પોલીસની સયબર ફ્રોડ વિરુદ્ધની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે પણ બિરદાવવામાં આવી છે. પોલીસની સફળતાની વિગતો આપતા સંઘવીએ જણાવ્યું કે, ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ દ્વારા નાગરિકોને તેમના ઐતિહાસિક રકમ પરત અપાવવામાં આવી છે.

એક મોટા કિસ્સામાં, વડોદરાના એક સિનિયર સિટીઝનને પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપનીઓના નામે જંગી નફાની લાલચ આપી છેતરવામાં આવ્યા હતા, જેમના રૂપિયા 4.91 કરોડ પોલીસે સફળતાપૂર્વક ફ્રિઝ કરાવી પરત અપાવ્યા છે.

છેતરપિંડીના નાણાં પોલીસે પરત અપાવ્યાં

અન્ય એક ભયાનક કિસ્સામાં અમદાવાદની એક સિનિયર સિટીઝન મહિલાને નકલી પોલીસ અધિકારી બની ડિજિટલ અરેસ્ટ કરી, ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી 12 દિવસ સુધી SKYPE પર નજરકેદ રાખી 48 લાખ રૂપિયા પડાવી લેવાયા હતા, તે રકમ પણ પોલીસે પરત અપાવી છે. આ ઉપરાંત, ROCKCREEAK નામની નકલી ટ્રેડિંગ એપ દ્વારા એક પરિવાર સાથે થયેલી રૂપિયા 12.70 લાખની છેતરપિંડીના નાણાં પણ પોલીસે રિકવર કરી પરત કર્યા છે.

સાયબર ક્રાઈમના વિશાળ સિન્ડિકેટનો પર્દાફાશ

ગુજરાત પોલીસે દુબઈ, વિયેતનામ અને કંબોડિયાથી ઓપરેટ થતા એક વિશાળ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ સામાન્ય નાગરિકોને દોઢ-બે ટકા કમિશનની લાલચ આપી તેમના બેંક ખાતા અને સિમકાર્ડ મેળવી, તેનો ઉપયોગ દેશભરમાં સાયબર ફ્રોડ આચરવા માટે કરતી હતી.

આ ગેંગ દ્વારા દેશભરમાં 1549 ગુના આચરી અંદાજે રૂપિયા 804 કરોડની ઠગાઈ કરવામાં આવી છે, જે પૈકી ગુજરાતમાં 141 ગુનામાં રૂપિયા 17.75 કરોડની છેતરપિંડીનો સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં સુરતમાંથી 10 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 65 મોબાઇલ ફોન, 447 ડેબિટ કાર્ડ, 529 બેંક એકાઉન્ટ કીટ, 686 સિમકાર્ડ અને 16 POS મશીન જપ્ત કરવામાં આવ્યાં છે.

ભારતમાં ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ કાયદાકીય જોગવાઈ નથીઃ સંઘવી

ગૃહ રાજ્ય પ્રધાન નાગરિકોને સાયબર સુરક્ષા કવચ અપનાવવા અપીલ કરી હતી. વધુમાં કહ્યું કે, કોઈપણ સાયબર ફ્રોડનો ભોગ બન્યાના ગોલ્ડન અવર એટલે કે પ્રથમ કલાકમાં જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરવો અત્યંત જરૂરી છે. ભારતમાં ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી, અને આવા નકલી કોલ્સથી ડરવાની જરૂર નથી.

આ સાથે સોશિયલ મીડિયા પર રાતોરાત કરોડપતિ બનાવતી સ્કીમ અને અજાણી લિંકથી સાવચેત રહેવા જણાવ્યું હતું. આ સાથે જ સાયબર ગુનેગારોને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, ‘ગુજરાતની ધરતી પર સાયબર ગુનેગારો માટે કોઈ સ્થાન નથી. તમે દુનિયાના કોઈપણ ખૂણામાં કે પાતાળમાં પણ છુપાયા હશો, તો પણ ગુજરાત પોલીસ તમને શોધી કાઢશે અને કાયદાના હવાલે કરશે.

આ પણ વાંચો…ગુજરાત પોલીસની નવતર પહેલ, કાફલામાં 50 ક્યુઆરટી બાઈકનો કર્યો ઉમેરો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button