ઓનલાઈન કાર ડીલર બની શિક્ષકે કરી 1.73 કરોડની ઠગાઈ: 42 કારના સોદામાં લોકોને છેતર્યા…

જૂનાગઢ: ગુજરાતમાં ઓનલાઈન કારબજારમાં જૂની વસ્તુ વેચવાની એપના નામનો દુરુપયોગ કરીને લોકોનો લૂંટવાના ગોરખ ધંધા ચાલી રહ્યો છે, જેના કારણે ઓનલાઈન કાર ખરીદી વેચાણ થતી બજારમાં સનસનાટી ફેલાઈ હતી. પરંતુ ગુજરાત પોલીસે તેને હવે ઝડપી પાડ્યો છે.
મહેસાણાનો રહેવાસી પીયૂષ પટેલ નામનો આ શખસ ઓએલએક્સ અને કાર-24 જેવી કંપનીઓના નામનો દુરુપયોગ કરીને લોકોને લૂંટતો હતો. પોલીસે આ ઠગને મુંબઈથી ઝડપીને તેના ગુનાઓનો પર્દાફાશ કર્યો છે.
મળતી માહિતી અનુસાર 25 સપ્ટેમ્બરે જૂનાગઢના એક કારડીલરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પીયૂષ પટેલે પોતાને કાર-24નો પ્રતિનિધિ ગણાવીને એક ડૉક્ટરની સ્વિફ્ટ કારનો સોદો કરવાનું વચન આપ્યું હતું.
તેણે ડૉક્ટરને ઊંચી કિંમત અપાવવાની લાલચ આપી અને બદલામાં બ્રેઝા કાર આપવાનું વચન આપ્યું. ફરિયાદીએ પીયૂષ પટેલને 2.25 લાખ રૂપિયા આપ્યા, પરંતુ ત્યાર બાદ તેણે ફોન બંધ કરી દીધો અને સંપર્ક ખોરવાઈ ગયો હતો.
આ મામલે જૂનાગઢ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પીયૂષ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના 11 મોટા શહેરોમાં ઠગાઈની ઘટનાઓ આચરી રહ્યો હતો. તેણે 42 કારના સોદાઓમાં લોકોને છેતરીને કુલ 1.73 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
આ શખસ ઓએલએક્સ અને કાર-24 જેવી પ્લેટફોર્મના નામનો દુરુપયોગ કરીને ગ્રાહકોને ફસાવતો હતો. પોલીસે તેની ગુનાહિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરીને તેની ધરપકડ મુંબઈના દહીસર વિસ્તારમાંથી કરી છે.
પીયૂષ પટેલ અગાઉ એક શાળામાં શિક્ષક તરીકે કામ કરતો હતો અને પછીથી તેણે કાર શોરૂમમાં પણ નોકરી કરી હતી. જોકે, ભારે દેવામાં ડૂબી જતા તેણે ઠગીનો રસ્તો અપનાવ્યો.
પોલીસે જણાવ્યું કે તેની સામે 31 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, અને હાલ તેની વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ ઓનલાઈન કાર ખરીદ-વેચાણ કરતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
આ પણ વાંચો…પુણેના એન્જિનિયર સાથે છેતરપિંડી બદલ બાન્દ્રાના લક્ઝુરિયસ કાર ડીલર વિરુદ્ધ ગુનો