આપણું ગુજરાત

ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે સતત ચોથી વાર નંબર 1

ગાંધીનગર: સતત ચોથી વાર ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે ટોચના ક્રમે પોતાનું સ્થાન જમાવવામાં સફળ રહ્યું છે. ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવસિદ્ધિ હાંસલ થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવસિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા હતા. સ્ટાર્ટઅપ-ડે 16 જાન્યુઆરીએ જાહેર થયેલા નેશનલ રેન્કિંગ નવી દિલ્હીમાં, કેન્દ્રીય ઉદ્યોગ-વાણિજ્ય મંત્રીના હસ્તે ગુજરાતને બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા 16 જાન્યુઆરી 2016 ના શરૂ કરાવેલી નવતર પહેલ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અન્‍વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા હતા. નેશનલ સ્ટાર્ટઅપ-ડેના અવસરે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ રેન્કિંગ-૨૦૨૨ના પરિણામોનું અનાવરણ કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કર્યું હતું.

PM મોદીએ આત્મનિર્ભર ભારતના ધ્યેયને પાર પાડવા દેશમાં મજબૂત ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા આ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ પહેલ શરૂ કરાવેલી છે. જેના પરિણામ સ્વરૂપે ભારત આજે વિશ્વમાં 1 લાખ 17 હજાર જેટલા માન્ય સ્ટાર્ટઅપ અને 111 યુનિકોર્ન સ્ટાર્ટઅપ ધરાવતું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું છે.

દેશના રાજ્યોમાં પણ ઇનોવેશન્સ અને ઉદ્યોગ સાહસિકતાને વધુ પ્રેરિત કરવા વડાપ્રધાન નરન્‍દ્રભાઇ મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા વર્ષ 2018થી રાજ્યો માટે સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક શરૂ કરવામાં આવ્યું છે.

આ ફ્રેમવર્ક અન્વયે તાજેતરમાં 2022ના વર્ષના રેન્કિંગ માટે DPIIT અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ ૩૩ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું 25 એક્શન પોઇન્‍ટ્સ આધારીત 7 નિર્ણાયક સુધારાઓના ક્ષેત્રોમાં મૂલ્યાંકન-એસેસમેન્ટ કર્યું હતું. આ મૂલ્યાંકનના જાહેર થયેલા પરિણામોમાં ગુજરાતે સતત ચોથી વાર બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનો એવોર્ડ મેળવ્યો છે.

નવી દિલ્હીમાં આ એવોર્ડ ઉદ્યોગ વિભાગના વરીષ્ઠ અધિકારીઓ અને ટીમ ગુજરાતે સ્વીકાર્યો હતો. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં સ્ટાર્ટઅપ કલ્ચરને વેગ આપવા ગુજરાતે પહેલરૂપ એવી સ્ટાર્ટઅપ પોલિસી 2015માં લોન્ચ કરેલી છે.

રાજ્યમાં 9200 થી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ છે. એટલું જ નહીં, રાજ્ય સરકારે યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રારંભિક સ્તરે સહાય માટે રૂ. 1 હજાર કરોડના ભંડોળ સાથે ‘ગુજરાત યંગ એન્ટરપ્રેન્યોર્સ વેન્ચર ફંડ’ શરૂ કરીને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું છે.

આ ઉપરાંત સસ્ટેઇનન્‍સ એલાઉન્‍સ, ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર આસિસ્ટન્‍સ, મોનિટરીંગ આસિસ્ટન્‍સ અને માર્કેટીંગ એલાઉન્‍સ જેવી સુવિધા સહાય પણ આપવામાં આવે છે.

તાજેતરમાં સંપન્ન થયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024ની પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટરૂપે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ તથા વાઈબ્રન્ટ સમિટ દરમિયાન સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન સેમિનારનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં શાળાકીય શિક્ષણ સ્તરેથી જ વિદ્યાર્થી યુવાઓમાં ઉદ્યોગ સાહસિકતા ક્ષમતા વિકસાવવા શિક્ષણ વિભાગે ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી 2.0’ લોન્ચ કરેલી છે. તેનાથી પણ સ્ટાર્ટઅપ માટે નવું વાતાવરણ ઊભું થયું છે.
આ ઉપરાંત સાયન્સ એન્ડ ટેક્નોલોજી, બાયોટેક્નોલોજી, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ જેવા વિભાગો દ્વારા પણ સ્ટાર્ટઅપને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકારને સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામના સફળતાપૂર્વકના અમલીકરણ માટે 2017 માં પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સેલેન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ એનાયત થયેલો છે.

રાજ્ય સરકાર ‘આઇ ક્રિએટ’ દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકોને ઇન્કયુબેશન સપોર્ટ આપીને પણ રાજ્યમાં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ વ્યાપક બનાવવા પ્રતિબદ્ધતા દર્શાવી રહી છે. આ બધાની ફલશ્રુતિએ ગુજરાત સ્ટાર્ટઅપ રેન્‍કિંગમાં સતત ચોથી વાર અગ્રેસર રાજ્ય બન્યું છે.

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker