ગુજરાતમાં મેઘરાજાની મેહરબાની; 14 જુલાઈ સુધી વરસાદની આગાહી, દક્ષિણમાં યલો એલર્ટ…

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગની વિસ્તારોમાં વરસાદ આવી ચૂક્યો છે. અત્યારે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી પ્રમાણે આગામી 14 જુલાઈ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં સર્વત્ર છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પણ આવી જ સ્થિતિ રહેવાની છે. આજે રાજ્યના 6 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિઝનમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં આવ્યો છે.
10મી જુલાઈએ નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે તો, 10મી જુલાઈએ નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી, સુરત, નર્મદા, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપ્યું છે. વરસાદની આગાહીના કારણે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા આદેશ આપવામાં આવ્યો છે. આ પહેલા પોરબંદરમાં પાંચ જેટલા માછીમારો દરિયો ખેડવાની મનાઈ હોવા છતાં પણ બોટ લઈને દરિયામાં ગયા અને લાપતા થઈ ગયાં હતો. જો કે, સદનસીબે પાંચેય માછીમારો સુરક્ષિત પાછા આવી ગયાં હતા. બાદમાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
સિઝન દરમિયાન ઝોન પ્રમાણે થયેલા વરસાદની વિગત
રાજ્યના પાંચ ઝોનમાં સિઝન દરમિયાન મેઘરાજાની હાજરી અને વરસાદની સ્થિતિ જોવી જાય તો, કચ્છમાં સૌથી ઓછી 8 દિવસ મેઘરાજા પ્રસન્ન રહ્યાં અને જરૂરિયાત કરતાં 184% વધુ 142.3 મિમી (5.69 ઇંચ) વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં 15 દિવસ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જૂનમાં 80.2 મિમી વરસાદની જરૂરિયાત સામે 178 મિમી (7.12 ઇંચ) એટલે કે 122% વધુ વરસાદ થયો છે. મધ્ય-પૂર્વ ગુજરાતમાં 17 દિવસ સુધી વરસાદ આવ્યો, જેમાં 113 મિમી વરસાદની સામે 278.9 મિમી (11.16 ઇંચ) એટલે કે 147% વધુ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 127.7 મિમી વરસાદની જરૂરિયાત સામે 245.1 મિમી (9.80 ઇંચ) વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 253.4 મિમી વરસાદની જરૂરિયાત સામે 532.5 મિમી (21.3 ઇંચ) વરસાદ નોંધાયો છે.