ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ભારે પવનની ચેતવણી, 28મી જૂન સુધી દરિયો ના ખેડવા આદેશ…

અમદાવાદઃ ગુજરાતમાં આગામી સાત દિવસ માટે ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના મોટાભાગની વિસ્તારોમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમા સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, મહિસાગર, વડોદરા, દાહોદ, ભરૂચ, નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ખાબકી શકે છે. જેના કારણે લોકોનું જનજીવન પણ ખોરવાઈ શકે છે.
26મી અને 27 જૂને પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
આ સાથે હવામાન વિભાગલ દ્વારા સાબરકાંઠા, અમરેલી, જામનગર. અરવલ્લી, ખેડા, ગાંધીનગર, આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં 25 જૂને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં 26 જૂને અને સાબરકાંઠા અને અરવલ્લીમાં 27 જૂને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
40 કિલોમીટર પ્રતિ કલાક ગતિએ પવન ફુંકાશે
હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે આ સમયગાળા દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાક ગતિએ પવન ફુંકાઈ શકે છે. ભારે પવન અને વરસાદના કારણે માછીમારોને 28 જૂન સુધી દરિયામાં ન જવાની કડક ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદ અને પવનના કારણે દરિયામાં કરંટ જોવા મળતો હોય છે. જેથી સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.
વરસાદના કારણે 206 ડેમમાંથી 11 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પ્રમાણે આ ચોમાસાની ઋતુમાં રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 21 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26.33 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે ગુજરાતના અનેક ડેમમાં પણ પાણીની સારી એવી આવક થઈ છે. સરદાર સરોવર ડેમમાં 166889 MCFt પાણી એકત્ર થયું છે. રાજ્યના 206 ડેમમાંથી 11 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. જ્યારે 27 ડેમ 70 ટકાથી વધુ ભરાઈ ગયા છે. હાલમાં, 15 ડેમો હાઈ એલર્ટ પર, 12 ડેમો એલર્ટ પર અને 11 ડેમ વોર્નિંગ સ્ટેટસ પર હોવાનું જાણવા મળ્યું છે.