વિકસીત ગુજરાતના દાવા સામે નવજાત શિશુ-બાળકનો મૃત્યુ દર વધ્યો? જાણો શું કહે છે આંકડા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત માળખાકીય સુવિધા અને સમૃદ્ધિમાં દેશના મોખરાના રાજ્યમાં ગણાય છે તેમ છતાં રાજ્યમાં બાળ મૃત્યુ દર વધુ છે. ગુજરાત સરકારના દાવાથી વિપરીત હકીકત ખરેખર અલગ જ છે. નવજાત શિશુ અને પાંચ વર્ષ સુધીના બાળકોના મૃત્યુનું પ્રમાણ હજુ ઊંચું છે. રાજ્યમાં દર હજાર બાળકોએ જન્મ થયા બાદ મૃત્યુ પામતા નવજાત બાળકોનો દર 20 છે જ્યારે પાંચ વર્ષ સુધીના બાળકોનો મૃત્યુ દર 23નો છે.
પાંચ વર્ષ સુધીના બાળકોના મૃત્યુનું પ્રમાણ કેમ વધ્યું?
ગુજરાત કરતા પશ્ચિમ બંગાળ સહિતના દેશના અનેક રાજ્ય એવા છે જ્યાં આ દર પ્રમાણમાં ઓછો છે. આ બાબત તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. બાળકોના મૃત્યુ દરમાં નહિવત્ ઘટાડા દર સરકાર લાવી શકી નથી. લોકસભામાં રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાના વર્ષ 2023ના છેલ્લા સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમને ટાંકીને આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ ગુજરાત સહિત અનેક રાજ્યોએ બાળકોનો મૃત્યુ દર ઘટાડવાના મામલાને ગંભીરતાથી લેવાની જરૂર હોવાના આંકડા રજૂ થયા છે. જેમાં બાળકનો જન્મ થાય ત્યારે સ્પેશિઆલિસ્ટ તબીબ અને બાળકોને જરૂર પડે ત્યારે નજીકમાં ઉત્તમ તબીબી સારવાર મળી રહે તેની જરૂરિયાતનો પણ સમાવેશ થયો છે.
ગુજરાતમાં નવજાત બાળકોનો મૃત્યુ દર 20 જે રાષ્ટ્રીય સરેરાશ 25થી થોડો ઓછો છે જ્યારે પાંચ વર્ષ સુધીના બાળકોનો મૃત્યુ દર 23 છે તે પણ રાષ્ટ્રીય સરેરાશ 29ની નજીક છે. ગુજરાતની સરખામણીમાં નવજાત બાળકોનો ઓછો મૃત્યુ દર હોય તેવા મોટા રાજ્યમાં કેરળમાં ફક્ત 5 નો મૃત્યુ દર છે. તો ચંદીગઢ, દિલ્હી, સિક્કીમ, પંજાબ, તમિલનાડુ સહિત અનેક એવા રાજ્ય પણ ઓછો મૃત્યુ દર ધરાવે છે.



