ગુજરાતના દરેક ગામને મળશે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ: ભારતનેટ ફેઝ-૩નો શુભારંભ, 5,631 કરોડના કરાર…
ભારતનેટ ફેઝ-૩ હેઠળ ૧૪,૨૮૭ ગ્રામ પંચાયત અને ૩,૮૯૫ ગામને જોડાશે

ગાંધીનગરઃ ગુજરાતના ગામડે ગામડે હાઈ સ્પીડ ઈન્ટરનેટને પહોંચે એ ઉદ્દેશને લઈ ગુજરાત સરકારે આજે મહત્ત્વના સમજૂતી કરારમાં હસ્તાક્ષર કર્યાં છે. રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી તેમ જ ભારત સરકારના દૂરસંચાર વિભાગના સચિવ નીરજ મિત્તલની ઉપસ્થિતિમાં એમેન્ડેડ ભારતનેટ (ફેઝ-૩)ની અમલીકરણ કામગીરી માટે ગુજરાતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST), ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લી. (GFGNL), ભારત સરકારના ડિજિટલ ભારત નિધિ (DBN) તેમજ ભારત સંચાર નિગમ લી. (BSNL)ને મળી કુલ ચાર સહભાગી પક્ષો વચ્ચે રાજ્ય કરાર સંપન્ન કરવામાં આવ્યા. જેમાં ભારત સરકાર વતી અધિક સચિવ અને ડિજિટલ ભારત નિધિના એડમિનિસ્ટ્રેટર નીરજ વર્મા તેમજ ગુજરાત સરકાર વતી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા તેમ જ શહેરી-ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા એમેન્ડેડ ભારતનેટ કાર્યક્રમ (તબક્કો-૩)નો પ્રારંભ કરવામાં આવશે. ભારતનેટના ત્રીજા તબક્કા હેઠળ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં પણ ૯૮ ટકાથી વધુ સર્વિસ અપટાઇમ સુનિશ્ચિત કરીને સમાન ડિજિટલ સુલભતા પ્રદાન કરવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે.

ભારતનેટ ફેઝ-૩ના અમલીકરણ માટે MoC પર હસ્તાક્ષર
રાજ્ય આધારિત મોડેલમાં એમેન્ડેડ ભારતનેટ કાર્યક્રમ (ફેઝ-૩)ના અમલીકરણ માટે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન (MoC) પર હસ્તાક્ષર કરનાર ગુજરાત દેશના ૮ રાજ્યો પૈકીનું પ્રથમ રાજ્ય બન્યું છે. ઓક્ટોબર-૨૦૨૪માં દિલ્હી ખાતે આયોજિત ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારે ભારતનેટ ફેઝ-૩ના અમલીકરણ માટે MoC પર હસ્તાક્ષર કર્યા હતા ત્યાર બાદ ગત જાન્યુઆરી-૨૦૨૫માં ભારત સરકાર દ્વારા ભારતનેટ ફેઝ-૩ માટે ગુજરાતને એક વખતના મૂડી ખર્ચ (CAPEX) અને ૧૦ વર્ષના નિભાવખર્ચ (OPEX) માટે કુલ રૂ. ૫,૬૩૧ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

ભારતનેટ ફેઝ-૨ના સફળ અમલીકરણની દ્રષ્ટિએ રાજ્ય મોખરે
પ્રોજેક્ટ ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી બાદ આજે ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ પંકજ જોષી તેમ જ કેન્દ્રીય દૂરસંચાર સચિવ નીરજ મિત્તલની ઉપસ્થિતિમાં એમેન્ડેડ ભારતનેટ (ફેઝ-૩)ની અમલીકરણ કામગીરી માટે ચાર સહભાગી પક્ષો વચ્ચે રાજ્ય કરાર સંપન્ન કર્યાં છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્ય-આધારિત મોડલ હેઠળ ભારતનેટ ફેઝ-૨નો સફળતાપૂર્વક અમલ કર્યો છે. જે અંતર્ગત ૨૨ જિલ્લાની ૮,૦૦૦થી વધુ ગ્રામ પંચાયતોને આવરી લઇ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સીમલેસ ડિજિટલ કનેક્ટિવિટી પૂરી પાડતી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ગુજરાત આજે ૯૫ ટકાથી વધુ નેટવર્ક અપટાઇમ સાથે રાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ છે. ભારતનેટ ફેઝ-૨ના સફળ અમલીકરણ અને ઉપયોગની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે.
૧.૬ કરોડથી વધુ નાગરિકોએ ડિજિટલ સેવાનો લીધો લાભ
ગુજરાત સરકારે ભારતનેટ પર અનેક ઈ-ગવર્નન્સ સેવાઓ શરૂ કરી છે, જેને “ડિજિટલ સેવા સેતુ (ઈ-ગ્રામ)” કાર્યક્રમ હેઠળ અમલમાં મૂકવામાં આવી છે. ભારતનેટના માધ્યમથી હાલ રાજ્ય સરકારની ૩૨૧ જેટલી સેવાઓ ૧૪,૦૦૦થી વધુ ઈ-ગ્રામ કેન્દ્ર પર ઉપલબ્ધ છે. પરિણામે રાજ્યના ૧.૬ કરોડથી વધુ નાગરિકોએ ગ્રામ પંચાયત કનેક્ટિવિટી દ્વારા ડિજિટલ સેવા સેતુનો લાભ લીધો છે.

રાજ્યમાં ૨૯૦થી વધુ ટેલિકોમ ટાવર ફાઇબરાઇઝ કરવામાં આવ્યા
આ ઉપરાંત રાજ્ય સરકારે ૭,૫૦૦થી વધુ શાળાઓ, ૭૬૫ આરોગ્ય કેન્દ્રો, ૩૭૭ પોલીસ ચોકીઓ અને GIDC, પ્રવાસન સ્થળો, કોન્ફરન્સ અને એક્ઝિબિશન સેન્ટરો જેવા ૫૦ આઇકોનિક સ્થળોને ભારતનેટ ફેઝ-૨ નેટવર્ક થકી જોડવામાં આવ્યા છે. આમ, રાજ્યમાં કુલ ૧૦,૦૦૦ જેટલી ગ્રામ્ય સંસ્થાઓમા હોરીઝોન્ટલ કનેક્ટિવિટી વિકસાવવામાં આવી છે, જ્યારે વધારાની ૫૦,૦૦૦ સંસ્થાઓમાં અમલીકરણ થઇ રહ્યું છે. વધુમાં, રાજ્યમાં ૨૯૦થી વધુ ટેલિકોમ ટાવરો ફાઇબરાઇઝ કરવામાં આવ્યા છે, જેના કારણે દૂર-દરાજના વિસ્તારોમાં પણ આજે મોબાઇલ કવરેજની સુવિધાઓ વધુ સુદ્રઢ બની છે.
આગામી સમયમાં ગુજરાતમાં અમલમાં આવનાર અમેન્ડેડ ભારતનેટ ફેઝ-૩ પ્રોજેક્ટ હેઠળ રાજ્યની ૧૪,૨૮૭ ગ્રામ પંચાયતો અને ૩,૮૯૫ ગામોને આધુનિક ડિજિટલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવામાં આવશે, જેમાં ૯૮ ટકાથી વધુ સર્વિસ અપટાઇમ રહેશે. જેના પરિણામે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને ડિજિટલ પ્લેટફોર્મ ગ્રામ્ય વિસ્તરમાં વસવાટ કરતા નાગરિકોના સામાજિક જીવનમાં સુધારો લાવશે.