આપણું ગુજરાત

હાઇકોર્ટમાં રખડતા કૂતરાંની ફરિયાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી, CJIને લખાયો પત્ર…

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી ગુજરાત હાઈકોર્ટ કેમ્પસમાં રખડતાં કૂતરાંઓનો ત્રાસ વધી ગયો છે. ડિસેમ્બર 2025 દરમિયાન હાઈ કોર્ટના પરિસરમાં 4-5 વ્યક્તિઓને કૂતરા કરડવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. કેટલાક વકીલો પણ તેનો ભોગ બન્યા હતાં. જેને લઈને હવે હાઈ કોર્ટ એડવોકેટ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

નવા વર્ષે જ વકીલને કરડ્યું કૂતરું

ગુજરાત હાઈકોર્ટના કેમ્પસમાં વકીલો પર વધતા રખડતાં કૂતરાંઓના હુમલા બાદ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. તાજેતરમાં એક એડવોકેટને કૂતરું કરડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. ઈજા એટલી ગંભીર હતી કે એડવોકેટને ટાંકા લેવા પડ્યા અને હડકવાની રસી આપવી પડી હતી. નવા વર્ષના પહેલાં જ અઠવાડિયામાં રખડતાં કૂતરાંના આતંકને જોતા હવે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે.

રજૂઆત છતાં કોઈ નક્કર કાર્યવાહી નહીં

હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્રમાં જણાવ્યું છે કે, હાલ હાઈ કોર્ટના પરિસરમાં 40 કૂતરાંઓનો જમાવડો છે. વકીલો રાત્રે 9 વાગ્યા સુધી ચેમ્બરમાં કામ કરે છે. જ્યારે તેઓ વાહન લઈને નીકળે છે ત્યારે કૂતરાઓ તેમનો પીછો કરે છે. આ ઉપરાંત કૂતરાંઓ હવે કોર્ટરૂમની બહારના લોબી વિસ્તાર સુધી આવી જાય છે, જેનાથી પક્ષકારો અને સ્ટાફમાં ફફડાટ છે. નવેમ્બર 2025માં રજિસ્ટ્રાર જનરલને પત્ર લખવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.

ચીફ જસ્ટિસ પાસે આદેશની માંગ

CJIને લખેલા પત્રમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, કૂતરાંઓ પ્રત્યે લાગણી ધરાવતા કેટલાક વકીલોના કારણે કૂતરાઓને દૂર કરવામાં મુશ્કેલી પડે છે. જોકે, સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશો મુજબ કૂતરાઓને રિહેબ સેન્ટરમાં મોકલી શકાય છે. ચીફ જસ્ટિસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને તાત્કાલિક આદેશ આપવામાં આવે તથા કેમ્પસમાંથી આ 40 જેટલા કૂતરાઓને પકડીને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે એવી હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ રખડતાં કૂતરાં મુદ્દે સુપ્રીમનો આદેશ જરાય વ્યવહારુ નથી

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં રખડતાં કૂતરાંઓને પકડીને ડૉગ શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. જેથી હવે ગુજરાત હાઈ કોર્ટના પરિસરમાં વધતા રખડતાં કૂતરાંઓના આતંકને કાબૂમાં લેવા માટે સુપ્રીમ કોર્ટ કોઈ પગલું ભરે એવી હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને માંગ કરી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button