આપણું ગુજરાત

ગુજરાત હાઇ કોર્ટનો મોટો નિર્ણય: કેદીઓની વહેલી મુક્તિ અને સજા માફી પર કોર્ટ રાખશે સીધી નજર…

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હાઇ કોર્ટે સુઓમોટો લીધો; સરકાર પાસે 12 ફેબ્રુઆરી સુધીમાં માગ્યો વિગતવાર રિપોર્ટ

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે રાજ્યની જેલોમાં સજા કાપી રહેલા કેદીઓની વહેલી મુક્તિ અને સજા માફીની પ્રક્રિયાને લઈને કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ હવે હાઇ કોર્ટ પોતે આ પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે. આ પગલું એ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે કે શું સરકારની સજા માફીની નીતિઓ પારદર્શક છે અને શું તે સાચી પાત્રતા ધરાવતા કેદીઓ સુધી પહોંચી રહી છે કે કેમ. અદાલતની આ સક્રિયતાને કારણે જેલ પ્રશાસન અને રાજ્ય સરકારના કાયદા વિભાગમાં ભારે હલચલ જોવા મળી રહી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા દેશની તમામ હાઇ કોર્ટને સજા માફીની નીતિઓના સુપરવિઝન માટે સૂચના આપવામાં આવી હતી, જેના આધારે ગુજરાત હાઇ કોર્ટે સુઓમોટો લેતા રાજ્ય સરકારને આદેશ કર્યો છે. કોર્ટે સરકારને સ્પષ્ટપણે જણાવ્યું છે કે સજા માફી અને સમય પહેલા મુક્તિ સંબંધિત હાલની તમામ નીતિઓની નકલ તેમ જ અત્યાર સુધી થયેલા અમલીકરણનો વિગતવાર અહેવાલ 12 ફેબ્રુઆરી સુધીમાં રજૂ કરવામાં આવે. અદાલત આ રિપોર્ટના આધારે નક્કી કરશે કે રાજ્યમાં કાયદાનું પાલન યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં.

આ પણ વાંચો…કેસના ઝડપી નિકાલ સહિતના ફેરફારો સાથે ગુજરાત હાઈકોર્ટે નવી એસઓપી અમલમાં મૂકી…

સુનાવણી દરમિયાન સરકારી વકીલે રજૂઆત કરી હતી કે સુપ્રીમ કોર્ટના અમુક આદેશોમાં ગુજરાતનો ઉલ્લેખ નથી અને રાજ્ય સરકાર સમયાંતરે આપવામાં આવેલી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી રહી છે. જોકે, હાઇ કોર્ટે આ દલીલ સામે મક્કમ વલણ રાખતા જણાવ્યું કે, નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવું અદાલતની જવાબદારી છે. કોર્ટે એમિકસ ક્યુરીને સોંપવામાં આવેલા અહેવાલની નકલ પણ રેકોર્ડ પર લેવા જણાવ્યું છે, જેથી સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ થઈ શકે.

સામાન્ય રીતે ગંભીર ગુનાઓમાં સજા કાપતા કેદીઓની વહેલી મુક્તિ અને સજા માફી ઘણીવાર વિવાદનું કારણ બનતી હોય છે. સુપ્રીમ કોર્ટ ઇચ્છે છે કે સજા માફીની પ્રક્રિયા માત્ર રાજકીય કે વહીવટી પ્રક્રિયા બનીને ન રહી જાય, પરંતુ તેમાં ન્યાયિક સિદ્ધાંતોનું પાલન થાય. આ પ્રક્રિયામાં જેલના વર્તન, સજાનો ગાળો અને ગુનાની ગંભીરતા જેવા પાસાઓ મહત્વના હોય છે. હાઇ કોર્ટની આ કડકાઈ બાદ હવે રાજ્ય સરકાર માટે સજા માફીના માપદંડોને વધુ સ્પષ્ટ અને ન્યાયી બનાવવાનું દબાણ વધશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button