ખેડા મારપીટ કેસમાં પોલીસકર્મીઓ દોષિત ઠર્યા, ગુજરાત હાઈકોર્ટે 14 દિવસની સજા ફટકારી
ગત વર્ષે નવરાત્રિ દરમિયાન ખેડા જીલ્લાના ઊંઢેના ગામમાં ગરબાના એક કાર્યક્રમ પર પથ્થરમારો કરનારા આરોપીઓને પોલીસ અધિકારીઓ દ્વારા જાહેરમાં માર મારવાના કેસમાં ગુજરાત હાઈ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. હાઈ કોર્ટે ચારેય આરોપી પોલીસકર્મીઓને દોષિત ઠેરવ્યા હતા અને કોર્ટે તમામને 14 દિવસની જેલની સજા ફટકારી છે. હાઈ કોર્ટે કહ્યું કે કાયદો પોતાના હાથમાં લેવામાં આવ્યો છે અને પોલીસના આ પ્રકારના વર્તનથી પીડિતોને માનસિક વેદના સહન કરવી પડી છે.
ચુકાદો સંભળાવતા ગુજરાત હાઈ કોર્ટે કહ્યું કે, જો તેમને માફ કરવામાં આવશે તો આગામી દિવસોમાં તમામ પોલીસકર્મીઓ ચોક પર આવી રીતે જાહેરમાં આરોપીઓને સજા આપવાનું શરૂ કરશે, જે કોર્ટ ઓફ લો અપમાન છે. ચારેય આરોપીઓને કોર્ટની અવમાનના બદલ સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત 2000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે અમે આ નિર્ણય આપતા દુ:ખ અનુભવીએ છીએ પરંતુ અમે કાયદાથી બંધાયેલા છીએ.
ન્યાયમૂર્તિ એએસ સુપેહિયા અને ગીતા ગોપીની બેન્ચે પોલીસ દ્વારા જાહેરમાં માર મારવાના કૃત્યને “અમાનવીય” અને “માનવતા વિરુદ્ધનું કૃત્ય” ગણાવ્યું હતું. કોર્ટે એ પણ નોંધ્યું છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિ પસે જીવનનો અધિકાર છે જેમાં ગૌરવ સાથે જીવવાનો અધિકાર પણ સામેલ છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં નવરાત્રિ પર્વ દરમિયાન ખેડાના ઉંઢેલા ગામમાં ટોળાએ કથિત રીતે ગરબા કાર્યક્રમ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં કેટલાક ગ્રામજનો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ત્યાર બાદ પોલીસે ગામના મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોની અટકાયત કરી હતી અને બીજા દિવસે ગામમાં મસ્જીદની સામે એક થાંભલા સાથે બાંધી ત્રણ આરોપીઓને જાહેરમાં માર માર્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કેટલાક પીડિતોએ બાદમાં હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે આ કૃત્યમાં સામેલ પોલીસકર્મીઓએ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કરીને કોર્ટનો અનાદર કર્યો છે.
હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે પોલીસકર્મીઓએ જાહેરમાં મારપીટના મામલામાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું છે.