ગુજરાત હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન વકીલે એવું કૃત્ય કર્યું કે પછી કોર્ટ થઈ લાલધૂમ, જાણો શું છે મામલો…

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વકીલ ભાસ્કર તન્નાએ વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન અયોગ્ય વર્તન કર્યું. આ ઘટનાને કોર્ટે ‘અપમાનજનક અને ભયંકર’ ગણાવીને તેમની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
25 જૂનના રોજ જસ્ટિસ સંદીપ ભટ્ટની બેન્ચ સમક્ષ ચાલી રહેલી વર્ચ્યુઅલ સુનાવણીમાં વકીલ ભાસ્કર તન્ના જોડાયા હતા. આ દરમિયાન તેમનું લાઈવ વીડિયો ચાલુ હતું અને તેઓ બીયર પીતા હોવાનું તેમજ ફોન પર વાતચીત કરતા હોવાનું જોવા મળ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાતાં હાઈકોર્ટે તેને ગંભીરતાથી લીધો. જસ્ટિસ એ.એસ. સુપેહિયા અને જસ્ટિસ આર.ટી. વછાણીની બેન્ચે આ વર્તનને કોર્ટની ગરિમા માટે અપમાનજનક ગણાવ્યું.
કોર્ટની ટિપ્પણી
જસ્ટિસ સુપેહિયાએ જણાવ્યું કે, વકીલનું આવું વર્તન કોર્ટની કાર્યવાહીનું અપમાન છે. વીડિયોમાં તન્ના બીયરના મગ સાથે ફોન પર વાત કરતા જોવા મળ્યા, જે કોર્ટની ગરિમાને નુકસાન પહોંચાડે છે. કોર્ટે એમ પણ જણાવ્યું કે આવા વર્તનને અવગણવામાં આવે તો તે કાયદાના શાસન માટે જોખમી બની શકે. આથી, તેમની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવી.
કોર્ટેની કાર્યવાહી
કોર્ટે ભાસ્કર તન્નાની સિનિયર એડવોકેટની ઉપાધિ પાછી ખેંચવાની વાત કરી, પરંતુ આગળની સુનાવણી બાદ નિર્ણય લેવાનું નક્કી કર્યું. આ ઘટનાએ કાનૂની વ્યવસ્થામાં વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન વકીલોની જવાબદારી અને આચરણના મુદ્દે ચર્ચા ઉભી કરી છે. કોર્ટે આવા વર્તનને રોકવા કડક પગલાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
આપણ વાંચો : શરમજનક: હાઈ કોર્ટની ઓનલાઇન સુનાવણી વખતે શખસએ કરી નાખ્યું આ કારસ્તાન!