Gujarat High court: હત્યાના કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ શખસ 25 વર્ષે ફરી દોષિત જાહેર, જાણો શું છે મામલો

અમદાવાદઃ સામાન્ય બોલચાલમાં ‘કર્મ કોઈને છોડતું નથી’ એવી કહેવત વપરાતી હોય છે, જેને પુરવાર કરતા ઘણા દાખલ જોવા મળતા હોય છે. એવામાં તાજેતરમાં જ ગુજરાત હાઈ કોર્ટના એક આદેશે વધુ એક દાખલો બેસાડ્યો છે. રાજકોટમાં પત્નીની હત્યા કર્યાના 27 વર્ષ બાદ ગુજરાત હાઈ કોર્ટે નીચલી અદાલતના આદેશને રદ કરી હત્યારા પતિને સરેન્ડર કરવા આદેશ આપ્યો છે.
25 વર્ષ પહેલા ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડેલા શખ્સને ગુજરાત હાઈ કોર્ટે જેલમાં પરત મોકલવાનો આદેશ કર્યો છે. 25 વર્ષ પહેલા નીચલી અદાલતે પત્નીની હત્યાના કેસમાં પતિને પુરાવાના આભાવે નિર્દોષ છોડ્યો હતો. હાઈ કોર્ટે આ નિર્ણયને પલટી નાખ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી છે. હાઈ કોર્ટના નિર્ણય બાદ આ હત્યા કેસ ફરી ચર્ચામાં આવ્યો છે.
આપણ વાંચો: ગુજરાત હાઈ કોર્ટે આ કારણે Googleને મોકલી નોટિસ, વિચિત્ર પણ જાણવા જેવો કિસ્સો
કેસની જાણકારી મુજબ રાજકોટ જિલ્લાના એક ગામમાં રહેતા જીવરાજ કોળીએ માર્ચ 1997માં તેની પત્ની સવિતાનીને ચપ્પુ મારી હત્યા કરી નાખી હતી. તેની પત્ની પૈસાની માંગણી કરતી હોવાથી તેણે ગુસ્સામાં આવી હત્યા કરી હતી. બે વર્ષ પછી, જીવરાજ કોળીને ટ્રાયલ કોર્ટે શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યો હતો. પતિને નિર્દોષ જાહેર કરવાના નીચલી અદાલતના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
હાઈ કોર્ટમાં કેસની સુનાવણી કરતા, જસ્ટિસ એએસ સુપહિયા અને જસ્ટિસ વીકે વ્યાસની ખંડપીઠે કોળીને શંકાનો લાભ આપતા ટ્રાયલ કોર્ટના આદેશને રદ કર્યો હતો.
હાઈ કોર્ટની ખંડપીઠે તેને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે દોષિતને સરેન્ડર કરવા માટે છ અઠવાડિયાનો સમય આપ્યો છે. હાઈ કોર્ટની બેન્ચે નારાજગી વ્યક્ત કરી હતી કે ગુજરાત સરકારે આરોપીને નિર્દોષ છોડવા સામેની અપીલની કાર્યવાહીમાં બે દાયકાથી વધુ સમય વિલંબ કર્યો હતો. રાજ્યએ વર્ષ 1999માં અરજી દાખલ કરી હતી. હાઈ કોર્ટની બેન્ચે કહ્યું કે દોષિત જેલમાં મોકલવો જરૂરી છે, કાયદો કઠોર છે, પરંતુ તે કાયદો છે.