ગુજરાતમાં રજિસ્ટ્રેશન વિના ચાલતી હોસ્પિટલો-ક્લિનિક્સની યાદી તૈયાર કરવા આદેશ, 25 ટકાએ રજિસ્ટ્રેશન ના કરાવ્યું…

ગાંધીનગરઃ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો કડક અમલ શરૂ કર્યો પછી રાજ્યમાં 37,856 હોસ્પિટલો અને ક્લિનિક્સની નોંધણી થઈ છે. ગુજરાતમાં 50 હજાર કરતાં વધારે હોસ્પિચો અને ક્લિનિક્સ છે એ જોતાં હજુ 15 હજાર જેટલાં ક્લિનિક્સ અને હોસ્પિટલનું રજિસ્ટ્રેશન બાકી છે. દિવાળીની રજાઓ પૂરી થાય પછી આરોગ્ય વિભાગ બાકી રહી ગયેલાં ક્લિનિક્સ અને હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કરાવવા માટે ઝુંબેશ શરૂ કરશે. આરોગ્ય વિભાગે જિલ્લા આરોગ્ય અધિકારીઓને દર અઠવાડિયે રિપોર્ટ આપવાની તથા રજિસ્ટ્રેશન વિના ચાલતી હોસ્પિટલો-ક્લિનિક્સની યાદી તૈયાર કરવાની સૂચના આપી છે.
37,856 એકમોએ કરાવી નોંધણી
ગુજરાત સરકારના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રાજ્યની દરેક પ્રકારની આરોગ્ય સંસ્થાઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, યુનાની, સિદ્ધા સહિતની કોઈ પણ પધ્ધતિથી સારવાર કરતી સંસ્થા હોસ્પિટલો અને ક્લિનિક્સે ફરજિયાત નોંધણી કરાવવી પડે છે.
રાજ્ય સરકારના અંદાજ પ્રમાણે રાજ્યમાં 50 હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓ કાર્યરત છે. બીજી તરફ આરોગ્ય વિભાગના આંકડા મુજબ અત્યાર સુધીમાં 37,856 એકમોની નોંધણી પૂર્ણ થઈ છે. મતલબ કે, લગભગ 75 ટકા એકમોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને 25 ટકા સંસ્થાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી.
રજીસ્ટ્રેશન વગર ચાલી રહ્યા છે હોસ્પિટલ અને ક્લિનિક્સ
આરોગ્ય વિભાગ પાસે કેટલી હોસ્પિટલો અને ક્લિનિક્સ સહિતની સંસ્થાઓનું રજિસ્ટ્રેશન થયું નથી તેનો ચોક્કસ આંકડો નથી પણ લગભગ 12 થી 15 હજાર એકમો નોંધણી કરાવ્યા વિના જ કાર્યરત હોવાનો અંદાજ છે. આ પૈકી મોટા ભાગની હોસ્પિટલો અને ક્લિનિક્સ લાયકાત નહીં ધરાવતા લોકો દ્વારા ચલાવાતી હોવાની શક્યતા છે. પૂરતી સવલતો અને યોગ્ય ડોક્ટરો વિના ચાલતી આ હોસ્પિટલો અને ક્લિનિક્સ દર્દીઓના આરોગ્ય સામે ખતરારૂપ હોવાથી રાજ્ય સરકારે આરોગ્ય વિભાગને આ નોંધણી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે કડક સૂચના આપી છે.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ખાનગી હોસ્પિટલો દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં બહુ સમય લાગે છે કેમ કે આરોગ્ય વિભાગ બારીકાઈથી ચકાસણી કરે છે. ફી માળખું, ડૉક્ટર-પેરામેડિકલ સ્ટાફની વિગતો, દર્દી સુવિધાઓ અને લાઇસન્સ અપડેટ વગેરેની ચોક્કસ વિગતો આપવી ફરજિયાત છે. આ કારણે પ્રક્રિયા અત્યંત ધીમી ચાલી રહી હોવાથી રાજ્ય સરકાર દ્વારા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળળ રજિસ્ટ્રેશન સમયમર્યાદા વધારીને 30 એપ્રિલ 2026 સુધી કરવામાં આવી છે. આ મુદત પતે નોંધણી વગર કામ કરતી સંસ્થાઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઘણાં ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક્સ પાસે પૂરતી સગવડ કે દસ્તાવેજો ન હોવાથી તેઓ નોંધણી ટાળી રહ્યા છે. આરોગ્ય વિભાગે હવે જિલ્લા આરોગ્ય અધિકારીઓને દર અઠવાડિયે રિપોર્ટ માગવાની તથા રજિસ્ટ્રેશન વિના ચાલતી હોસ્પિટલોની યાદી તૈયાર કરવાની સૂચના આપી છે.
આ પણ વાંચો…ગુજરાતમાં દિવાળી પર ‘૧૦૮’ દોડતી રહી: ૫૪૦૬ ઇમરજન્સી કેસ, આગના સેંકડો બનાવો