રાજ્યમાં દસ્તાવેજોના e-Registration માટે હવે ચૂકવવી પડશે ફી, મહેસૂલ વિભાગનું નવું જાહેરનામું…

અમદાવાદ: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ હવે રાજ્યમાં દસ્તાવેજોના ઈ-રજીસ્ટ્રેશન (e-Registration) માટે નવી ફી નિર્ધારિત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા રજીસ્ટ્રેશન એક્ટ, ૧૯૦૮ની કલમ ૭૮ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવો નિયમ ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬થી અમલી બન્યો છે, જેનો મુખ્ય હેતુ ઓનલાઈન નોંધણી પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત બનાવવાનો છે.
આ જાહેરનામા મુજબ, વર્ષ ૧૯૮૭ના જૂના ફી સ્ટ્રક્ચરમાં સુધારો કરીને તેમાં ક્રમ નંબર ૨૯ ઉમેરવામાં આવ્યો છે. હવેથી કોઈપણ દસ્તાવેજનું ઈ-રજીસ્ટ્રેશન કરવા માટે દસ્તાવેજ દીઠ ૧૦૦ રૂપિયા ‘પ્રોસેસિંગ ફી’ (Processing Fee) ચૂકવવાની રહેશે. આ ફી દરેક ઈ-ફાઈલ થયેલા દસ્તાવેજ પર લાગુ પડશે, જેનો હેતુ ડિજિટલ નોંધણીની વહીવટી પ્રક્રિયાને ટેકો આપવાનો છે.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા આ નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સુધારો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. હવેથી જે નાગરિકો ઘરબેઠા અથવા ઓનલાઈન માધ્યમથી દસ્તાવેજની નોંધણી કરાવશે, તેમને નિયત નોંધણી ફી ઉપરાંત આ ૧૦૦ રૂપિયાની વધારાની પ્રોસેસિંગ ફી ભરવી પડશે. આ નિર્ણયથી રાજ્યમાં ડિજિટલ ગવર્નન્સ અને ઈ-રજીસ્ટ્રેશનની સુવિધાને વધુ વેગ મળશે.



