આપણું ગુજરાત

‘સૂક્ષ્મ સિંચાઈ’ પદ્ધતિમાં ગુજરાત અવ્વલઃ 20 વર્ષમાં 16 લાખથી વધુ ખેડૂતોએ આ પદ્ધતિ અપનાવી

સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ 16.28 લાખ ખેડૂતોને રૂપિયા 9224.27 કરોડથી વધુની સહાય આપી

અમદાવાદઃ આજના કૃષિ વૈશ્વિકરણ અને વૈવિધ્યતાના સમયમાં કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સિંચાઈમાં પાણીનો અસરકારક ઉપયોગ અને વ્યવસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. વર્ષ 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપનીના માધ્યમથી સૂક્ષ્મ સિંચાઈ યોજના અમલમાં મૂકી હતી. ખેડૂતો પાણીના મર્યાદિત ઉપયોગથી વધુમાં વધુ ખેત ઉત્પાદન મેળવી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ શ્રેષ્ઠ વિકલ્પ છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ટપક, ફૂવારા, રેઈન-ગન અને પોરસ પાઈપ જેવી અદ્યતન સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે.

વર્ષ 2005માં સૂક્ષ્મ સિંચાઈ યોજના અમલમાં મુકાઈ હતી

પાણીના ઓછા સ્ત્રોત વચ્ચે સૂક્ષ્મ સિંચાઈથી આશરે ત્રણ ગણો પિયત વિસ્તાર વધારી શકાય છે. એટલે જ, છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ અને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો સતત વધી રહ્યો છે. વર્ષ 2005થી નવેમ્બર-2025 સુધીમાં ગુજરાતના 16.28 લાખથી વધુ ખેડૂતોએ આશરે 25.05 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. આ ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂપિયા 9224.27 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં ગુજરાત સરકારનો ફાળો 5740.71 કરોડ અને ભારત સરકારનો ફાળો 3493.56 કરોડ રૂપિયા રહ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતના 56 તાલુકામાં ભૂગર્ભ જળનું સ્તર તળિયે પહોંચ્યું, સરકારે સ્વીકાર કર્યો

ખેડૂતોએ 25.05 લાખ હેક્ટર વિસ્તારમાં આ પદ્ધતિ અપનાવી

ખેતીમાં સૂક્ષ્મ સિંચાઈ જેવી અદ્યતન પદ્ધતિ અપનાવવાની દિશામાં ગુજરાતે ખૂબ જ પ્રગતિ કરી છે. વર્ષ 2023-24માં આશરે 1.30 લાખ હેક્ટર વાવેતર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવામાં આવ્યો હતો. જ્યારે, ગત વર્ષ 2024-25માં પણ આશરે 1.20 લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો હતો. આ માટે ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ કુલ 605.42 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારનો 329.42 કરોડ અને ભારત સરકારનો 276 કરોડ રૂપિયાનો ફાળો રહ્યો છે.

સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં મોખરે

આ પદ્ધતિમાં 4.88 લાખ હેક્ટર વિસ્તાર સાથે બનાસકાંઠા રાજ્યમાં મોખરે છે, ત્યારબાદ, 1.85 લાખ હેક્ટર વિસ્તાર સાથે જૂનાગઢ અને 1.35 લાખ હેક્ટર વિસ્તાર સાથે રાજકોટ યાદીમાં આવે છે. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને વેગ આપવામાં મધ્યમ વર્ગના ખેડૂતોનો ફાળો મહત્તમ રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 8.92 લાખથી વધુ મધ્યમ વર્ગના ખેડૂતોએ 16.42 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે.

આ પણ વાંચો : જળસંકટઃ મરાઠવાડાના ૭૬માંથી ૫૧ તાલુકામાં ભૂગર્ભજળનું સ્તર નીચે ગયું

બાગાયતી ખેતી માટે પણ ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી

ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાયેલા કુલ 25.05 લાખ હેક્ટર વિસ્તાર પૈકી 20.52 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેતી પાકો માટે તેમજ 4.52 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં બાગાયતી પાકો માટે ખેડૂતો દ્વારા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે. મુખ્ય ખેતી પાકોમાં મગફળી માટે 11.02 લાખ હેક્ટર, કપાસ માટે 7.56 લાખ હેક્ટર અને શેરડી માટે 0.16 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ ખેતી કરવામાં આવી છે.

બાગાયતી પાકોમાં બટાટા માટે 2.20 લાખ હેક્ટર, કેળ પાક હેઠળ 0.34 લાખ હેક્ટર, આંબા પાક હેઠળ 0.18 લાખ હેક્ટર અને શાકભાજી પાકો હેઠળ 0.92 લાખ હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button