આપણું ગુજરાત

ગુજરાતની અમુક એન્જિનિયરિંગ કોલેજમાં સિંગલ ડિજિટમાં એડમિશન, તો અમુક તો ખાલીખમ…

અમદાવાદ: એક સમયે દીકરો એન્જિનિયર હોય એટલે માતા-પિતા ઊંચું જોઈ જતા, પણ ઘણા વર્ષોથી એન્જિનિયરિંગના કોર્સમાં વિદ્યાર્થીઓ ઓછો રસ બતાવે છે. એક ડિમાન્ડ ઓછી અને બીજું બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી સુવિધા વિનાની કોલેજો સહિતના વિવિધ કારણો જવાબદાર છે. જોકે ગુજરાતમાં આ વર્ષે જે ચિત્ર ઊભું થયું છે તે વધારે ચિંતા કરાવનારું છે. રાજ્યની 23 કોલેજોમાં સિંગલ ડિજીટ સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો, જ્યારે 12 કોલેજોમાં એકપણ વિદ્યાર્થી પહોંચ્યા નથી. વિદ્યાર્થીઓ હવે અપૂરતી સુવિધાઓ ધરાવતી નવી કોલેજોને બદલે જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થાઓને પસંદ કરી રહ્યા છે, જેના કારણે ઘણી કોલેજો ખાલીખમ રહી છે.

ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં ઓછો પ્રવેશ દર
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) દ્વારા એન્જિનિયરિંગ માટે 56,722 ઉપલબ્ધ સીટોમાંથી 30,305 સીટો ફાળવવામાં આવી હતી, પરંતુ આ સીટો પૈકી માત્રને માત્ર 18,068 વિદ્યાર્થીઓએ જ કોલેજોમાં પ્રવેશ લીધો, જે ફાળવેલી સીટોના 59.62% છે. સુરેન્દ્રનગરની પંડિત નથુલાલજી વ્યાસ ટેકનિકલ કેમ્પસમાં 2,160 સીટોમાંથી માત્ર 11 ફાળવાઈ, પરંતુ એકપણ વિદ્યાર્થી આવ્યો નહીં. જ્યારે સુરતની વિદ્યાદીપ ઇન્સ્ટિટ્યૂટમાં 1,223 સીટોમાંથી 63 ફાળવાઈ, પણ ફક્ત પાંચ વિદ્યાર્થીઓ જોડાયા. સિદ્ધપુરની હંસાબા કોલેજમાં 745 સીટોમાંથી 9 ફાળવાઈ, પરંતુ માત્ર બે વિદ્યાર્થીઓ પહોંચ્યા.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ
સ્થાનિક અધિકારીઓના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોલેજોએ માંગનું આકલન કર્યા વિના સીટો વધારી, જેનું આ પરિણામ છે. અપૂરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષકોની ગુણવત્તા અને સારી કોલેજોની હાજરીને કારણે વિદ્યાર્થીઓ શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોની નવી કોલેજો ટાળે છે. તમામ કોલેજો પૈકી માત્ર 29 કોલેજોએ 100% પ્રવેશ દર હાંસલ કર્યો, જ્યારે 25 કોલેજોમાં 75%થી વધુ, 19માં 50-75%, 18માં 25-50% અને 43 કોલેજોમાં 25%થી ઓછા વિદ્યાર્થીઓ જોડાયા.

બીજો પ્રવેશ રાઉન્ડ
ગુજરાત બોર્ડના પૂરક પરીક્ષાના પરિણામો બાદ બીજો પ્રવેશ રાઉન્ડ શરૂ થશે. આરોગ્ય વિભાગે કોલેજોને સુવિધાઓ સુધારવા અને માગ અનુસાર સીટો નક્કી કરવા સૂચના આપી છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર પ્રયાસરત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button