વિકાસ સહાયને એક્સ્ટેન્શન મળવાની શક્યતા નહીંવત્: જાણો DGP રેસમાં કોણ છે?

અમદાવાદ: ગુજરાતના હાલના ડીજીપી વિકાસ સહાય જૂન 2025માં નિવૃત્ત થવાના હતા. પરંતુ તેઓને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. જોકે, હવે આ એક્સટેન્શન પણ પૂર્ણતાને આરે આવી પહોંચ્યું છે. 31મી ડિસેમ્બર, 2025 વિકાસ સહાયના એક્સટેન્શનનો છેલ્લો દિવસ છે. ત્યારે હવે સરકાર નવા ડીજીપી કોને બનાવશે તેના પર સૌની નજર છે. જોકે, હાલ ડીજીપીની રેસમાં 3 આઈપીએસના નામ ચાલી રહ્યા છે.
અમદાવાદના કમિશ્નરને મળશે DGP બનવાનો મોકો?
વિકાસ સહાયની નિવૃત્તિ બાદ નવા ડીજીપીની રેસમાં 3 આઈપીએસના નામ અગ્રેસર છે. જેમાં ડૉ. કે.એલ.એન. રાવ, જી.એસ. મલિક તથા ડૉ. નિરજા ગોટરૂનો સમાવેશ થાય છે. વિગતે વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના અધિકારી બેડામાં ચર્ચા હતી કે, નવા DGP તરીકેની જવાબદારી જી.એસ.મલિકને મળી શકે છે. જી.એસ.મલિક 1993ની બેંચના IPS અધિકારી છે. હાલ તેઓ અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ફરજ બનાવી રહ્યા છે. અગાઉ તેઓ કેટલાંક વર્ષ માટે દિલ્હીમાં ડેપ્યુટેશન પર હતા.

જી.એસ.મલિકને અમદાવાદના પોલીસ કમિશનર બનાવાયા ત્યારથી જ એવી ચર્ચા ચાલી રહી હતી કે, આગામી સમયમાં તેઓને રાજ્યના ડીજીપી બનાવવામાં આવી શકે છે. કારણ કે અગાઉ શિવાનંદ ઝા, આશિષ ભાટિયા સહિતના IPS અધિકારી અમદાવાદ પોલીસ કમિશનરના પદે હતા. ત્યારબાદ તેઓને ગુજરાતના ડીજીપી બનાવાયા હતા, પરંતુ આ વખતે પરંપરા બદલાય શકે, એવું પોલીસ બેડાના સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે.
હાલ પોલીસ બેડામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, DGP બનવાની રેસમાં 1992ની બેંચના IPS અધિકારી ડૉ.કે.એલ.એન. રાવ સૌથી આગળ છે. કારણ કે, જી.એસ.મલિક કરતાં ડૉ. કે.એલ.એન.રાવ સિનિયર છે અને તેમની નિવૃત્તિને 22 મહિનાનો સમય બાકી છે. હાલ તેઓ સીઆઈડી ક્રાઈમમાં DGP તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેથી ગુજરાત રાજ્યના 30મા DGP તરીકે રાવની નિમણૂક થવાની શક્યતા વધુ મજબૂત માનવામાં આવી રહી છે.



