Top Newsઆપણું ગુજરાત

ગુજરાતમાં 25 હજાર બેંક કર્મચારીઓ જોડાશે હડતાળમાં, કરોડોના આર્થિક વ્યવહારો અટકવાની ભીતિ…

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાતના બેંકિંગ ક્ષેત્રમાં આગામી દિવસોમાં મોટી હલચલ જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારની શ્રમ નીતિઓ અને બેંકિંગ ક્ષેત્રના ખાનગીકરણના વિરોધમાં વિવિધ ટ્રેડ યુનિયનોએ આગામી 12 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. આ હડતાળને કારણે સામાન્ય જનતાના રોજિંદા બેંકિંગ કાર્યો અને વેપારીઓના વ્યવહારો પર મોટી અસર પડવાની શક્યતા છે. હડતાળના સમર્થનમાં અમદાવાદના આશ્રમ રોડ પર 11 ફેબ્રુઆરીએ ભવ્ય રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે સરકાર સામે વિરોધનું રણશિંગુ ફૂંકશે.

આ હડતાળમાં ગુજરાતના અંદાજે 25 હજાર જેટલા બેંક કર્મચારીઓ અને અધિકારીઓ જોડાવાના છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સિવાયની લગભગ તમામ સરકારી બેંકો તેમજ ફેડરલ અને કર્ણાટકા બેંકના કર્મચારીઓ કામકાજથી અળગા રહેશે. અંદાજ મુજબ, એક જ દિવસની આ હડતાળને કારણે રાજ્યમાં આશરે 15000 કરોડ રૂપિયાના ચેક ક્લિયરિંગ અને અન્ય નાણાકીય વ્યવહારો અટવાઈ શકે છે. આર્થિક પાટનગર અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં તેની વ્યાપક અસર જોવા મળશે.

આ પણ વાંચો…રિઝર્વ બેંકના અહેવાલમાં મોટો ખુલાસો, બેંકિંગ સિસ્ટમ મજબૂત બની…

હડતાળ પાછળનું મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા 29 જૂના શ્રમ કાયદાઓને બદલીને લાવવામાં આવેલા 4 નવા ‘લેબર કોડ’ છે. ટ્રેડ યુનિયનોનો આક્ષેપ છે કે આ નવા કાયદાઓથી મજૂર વર્ગના વર્ષો જૂના અધિકારો છીનવાઈ જશે. નવા નિયમો મુજબ માલિકોને કર્મચારીઓની છટણી કરવાની અને તાળાબંધી કરવાની વધુ સત્તા મળશે, જેનાથી કામદારોનું શોષણ વધશે. આ ઉપરાંત, યુનિયનો ચલાવવા અને હડતાળ કરવા જેવી લોકશાહી પ્રક્રિયાઓ પણ મુશ્કેલ બની જશે, જે યુવાનોના ભવિષ્ય માટે જોખમી ગણાવાઈ રહ્યું છે.

શ્રમ કાયદાઓ ઉપરાંત, બેંક કર્મચારીઓ લાંબા સમયથી ચાલી આવતી ‘૫ દિવસનું બેંકિંગ’ (5 Day Banking) કરવાની માંગ પર પણ અડગ છે. બીજી તરફ, બેંક સંચાલકો કામના કલાકો વધારવાનો પ્રસ્તાવ મૂકી રહ્યા છે. યુનિયનો IDBI બેંકના વેચાણ અને રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણના સરકારના પ્રયાસોનો સખત વિરોધ કરી રહ્યા છે. INTUC, AITUC અને CITU સહિતના 10 મોટા કેન્દ્રીય ટ્રેડ યુનિયનો આ લડતમાં એકસાથે જોડાયા છે, જેના કારણે આગામી ગુરુવારે બેંકિંગ સેવાઓ સંપૂર્ણપણે પ્રભાવિત થશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button