રાઈઝીન ઝેર કાવતરાનો પર્દાફાશ; ગુજરાત ATSના હૈદરાબાદમાં ધામા, MBBS ડૉક્ટરના ઘરે પાડ્યા દરોડા

અમદાવાદઃ ગુજરાત ATSએ ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. આતંકવાદી પ્રવૃત્તિઓમાં ફરી એકવાર તેલંગાણાના પાટનગર હૈદરાબાદનું નામ પ્રકાશમાં આવ્યું છે. આપણી ગુજરાત એટીએસે આજે હૈદરાબાદમાં મોટી કાર્યવાહી કરી છે. ગાંધીનગર નજીક અડાલજ વિસ્તારમાંથી ડો. અહેમદ જીલાની, સુહેલ સુલેમાન અને અઝદ સફી નામના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કર્યાં બાદ તેના આધારે હૈદરાબાદમાં એક રેડ પાડી હતી. ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવેલ આ ઓપરેશન રિસિન આતંકવાદી કાવતરા સાથે જોડાયેલું હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત એટીએસે MBBS ડોક્ટરના ઘરને સીલ કર્યું
ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાત એટીએસના આ ઓપરેશનનું મુખ્ય લક્ષ્ય રાજ્યના ખમ્મમ જિલ્લામાં રહેતા 35 વર્ષીય એમબીબીએસ ડોક્ટર અહેમદ મોહિઉદ્દીન સૈયદ હતો. ગુજરાત એટીએસએ તેમના ઘર પર દરોડો પાડ્યા અને તેના ઘરને સીલ કરી દીધું હતું. જાણકારી એવી પણ મળી છે કે, હૈદરાબાદના ડૉ. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ સાયનાઈડ કરતા વધુ ઘાતક રાઇઝીન ઝેર તૈયાર કરી રહ્યો હતો, જેના માટે તેના ઘરેથી રો મટીરિયલનો જથ્થો જપ્ત કરાયો છે. આ ત્રણેય કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરિત હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાત લેતા હતા.
અનેક ડિજિટલ ઉપકરણો અને મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યાં
મળતી જાણકારી પ્રમાણે ડૉ. મોહિઉદ્દીન સૈયદના ઘરે રેડ પાડવામાં આવી હતી. ગુજરાત એટીએસને મોહિઉદ્દીન સૈયદના ઘરેથી અનેક ડિજિટલ ઉપકરણો અને મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યાં છે. ગુજરાતમાંથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી તે બાદ એટીએસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એવો ખુલાસો થયો છે કે, આ આતંકવાદીઓ રાઇઝીન નામના ઘાતક ઝેરનો ઉપયોગ કરીને મોટા પાયે આતંકવાદી હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યાં હતા. જો કે, આ આતંકી રાઇઝીન કાવતરાનો ગુજરાત એટીએસ દ્વારા પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે.
શું છે આ રાઇઝીન ઝેર?
રાઇઝીન એ એરંડાના દાણામાંથી કાઢવામાં આવતું અત્યંત ખતરનાક ઝેર છે. તેનો ઉપયોગ જૈવિક યુદ્ધમાં થયો હોય છે. ચોંકાવનારી વાત એ છે કે, માત્ર એક મિલિગ્રામના અવશેષોમાં પણ તે ઘાતક સાબિત થઈ શકે છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે, આતંકવાદી સંગઠનો દેશના વિવિધ ભાગોમાં આતંક ફેલાવવા માટે આ ઝેરનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યા હતા.



