ગુજરાત એટીએસે આણંદથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી, સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલતો હતો

ગુજરાત એન્ટી ટેરરીઝમ સ્કવોડ(ATS)એ જાસૂસીના આરોપમાં આણંદથી એક શખ્સની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ 53 વર્ષીય લાભશંકર મહેશ્વરી તરીકે થઈ છે. એટીએસે મિલિટરી અને એરફોર્સ પાસેથી મળેલા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ ગુપ્ત અને સંવેદશીલ માહિતી પાકિસ્તાનને મોકલી હોવાની શંકા છે.
આ વર્ષે જુલાઈમાં અધિકારીઓને એક પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓપરેટિવ દ્વારા ચલાવવામાં આવી રહેલી નાપાક કામગીરી અંગે માહિતી મળી હતી. જેમાં, એક વોટ્સએપ નંબર દ્વારા સેના જવાનોને 15 ઓગસ્ટ પહેલા તેમના એન્ડ્રોઈડ મોબાઈલ હેન્ડસેટમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ નામની ‘apk’ એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી શાળાના ઓફિસર તરીકેની પોતાની ઓળખ આપી લોકોને તેમના બાળક સાથે રાષ્ટ્રધ્વજની તસવીર અપલોડ કરવા મેસેજ પણ મોકલતો હતો. એવા સૈનિકો જેમના બાળકો આર્મી સ્કૂલ અથવા ડિફેન્સ સ્કૂલમાં અભ્યાસ કરે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી લાભશંકર મહેશ્વરીએ આ ભારતીય નંબરની માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીને મોકલતો હતો.
આરોપીના મોબાઈલની ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું કે વોટ્સએપ નંબરનો ઉપયોગ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના લોકો કરતા હતા. આ દ્વારા તેઓ સુરક્ષા કર્મચારીઓના મોબાઈલ હેક કરી તેમના મોબાઈલમાંથી ગુપ્ત માહિતી મેળવતા હતા. એવી પણ શંકા છે કે પાકિસ્તાની એજન્સીએ આર્મી પબ્લિક સ્કૂલની વેબસાઈટ અથવા એન્ડ્રોઈડ એપ્લીકેશન ‘ડિજીકેમ્પ્સ’ દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સંબંધિત માહિતી મેળવી હતી.
આરોપી લાભશંકર મહેશ્વરી મૂળ પાકિસ્તાની હિંદુ છે જે 1999માં સારવાર માટે તેની પત્ની સાથે ભારત આવ્યો હતો. શરુઆતમાં તે તારાપુરમાં તેના સાસરીના ઘરે રહેતો હતો, પછી ધીમે ધીમે તેણે ત્યાં ઘણી દુકાનો ખોલી અને સારો ધંધો સેટ કર્યો. તેને 2006માં ભારતીય નાગરિકતા મળી હતી.
વર્ષ 2022ની શરૂઆતમાં આરોપી તેના માતા-પિતાને મળવા પાકિસ્તાન ગયો હતો. વિઝા પ્રક્રિયા દરમિયાન અને તેના માતા-પિતાના ઘરે દોઢ મહિનાના રોકાણ દરમિયાન કથિત રીતે તેનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું. ત્યારથી તે પાકિસ્તાની જાસૂસી સંસ્થાના સંપર્કમાં હતો. વોટ્સએપ એકાઉન્ટ બનાવીને બાદમાં તેણે સિમકાર્ડ પાકિસ્તાન મોકલ્યું અને તેના બદલામાં પૈસા પણ મેળવ્યા.