આપણું ગુજરાત

ગુજરાતમાં એઇડ્‌સના દર્દીઓની સંખ્યા વધીને 1.04 લાખ થઈ, 5 વર્ષમાં 3600ના મોત…

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાતમાં એચઆઇવી એઇડ્‌સના દર્દીઓની સંખ્યા વધીને 1.04 લાખ થઇ ગઇ છે. એઇડ્‌સના સૌથી વઘુ દર્દીઓની સંખ્યા ધરાવતા રાજ્યમાં ગુજરાત સાતમાં સ્થાને પહોંચી ગયું છે. છેલ્લા પાંચ વર્ષમાં એઇડ્‌સથી ગુજરાતમાં 3600 થી વઘુ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં વર્ષ 2020-21 માં એઇડ્‌સના દર્દીની સંખ્યા 90,541 હતી. ત્યાર પછી પછી એઇડ્‌સના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો ગયો છે.

એઇડ્‌સથી પાંચ વર્ષમાં 3,673 દર્દીઓના મોત થયા

ગુજરાતમાં વર્ષ 2020માં 1893, વર્ષ 2021માં 2507, વર્ષ 2022માં 2408, વર્ષ 2023માં 2671, વર્ષ 2024માં 2362 નવા દર્દી નોંધાયા હતા. તો વર્ષ 2020માં 509, વર્ષ 2021માં 810, વર્ષ 2022માં 857, વર્ષ 2023માં 800 અને વર્ષ 2024માં 697 લોકોના એઇડ્‌સથી મૃત્યુ થયા હતા. આમ, એઇડ્‌સથી પાંચ વર્ષમાં 3,673ના મોત થયા છે. સમગ્ર દેશમાં એઇડ્‌સથી એક વર્ષમાં 32,162 વ્યક્તિના મોત થયા છે.

ભારતમાં એઇડ્‌સનો પ્રિવેલન્સ રેટ 0.20 ટકા છે

ગુજરાત સ્ટેટ એઇડ્‌સ કન્ટ્રોલ સોસાયટીએ આપેલી માહિતી પ્રમાણે, ભારતમાં એઇડ્‌સનો પ્રિવેલન્સ રેટ 0.20 ટકા અને ગુજરાતમાં 0.18 ટકા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર એમ 6 જિલ્લા હાઇ રિસ્ક ઝોન છે. હાલ ગુજરાતમાં 261 આઇ.સી.ટી.સી. અને 2466 એફ.આઇ.સી.ટી.સી.માં એચઆઇવીની નિઃશુલ્ક સલાહ અને તપાસની સુવિધા ઉપલબ્ધ છે.

કેન્દ્ર સરકારના અહેવાલ પ્રમાણે વર્ષ 2024-25માં એઇડ્‌સના નવા નોંધાયેલા કેસમાં 73.70 ટકા લોકો નોર્મલ હતા, પરંતુ 5.40 ટકા હોમોસેક્સ્યુઅલ હતા. આ ઉપરાંત 11.5 ટકાને સીરિન્જથી અને 3.5 ટકા બાળકોને માતા પાસેથી એઈડ્સ મળ્યો હતો. કુલ દર્દીઓમાં 1.20 ટકાને લોહીની આપ-લેમાં એઇડ્‌સ થયાનું નોંધાયું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button