CCC પરીક્ષા કૌભાંડ મામલે GTUનું ભેદી મૌન, પરીક્ષા લેવાનું પણ બંધ કર્યું

અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) એ તાજેતરમાં કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ્સ (CCC) માટેની ટેસ્ટ લેવાનું બંધ કરવાનો નિર્ણય લીધો હતો. સૂત્રોનું કહેવું છે કે, આ નિર્ણય પાછળનું કારણ એક વર્ષ પહેલાં બહાર આવેલું કૌભાંડ છે જેમાં યુનિવર્સિટીનો એક કર્મચારી ટેસ્ટના માર્ક્સ સાથે છેડછાડ કરતો પકડાયો હતો. નોંધનીય છે કે સરકારી કર્મચારીઓની ભરતી અને બઢતી માટે CCC પ્રમાણપત્ર ફરજિયાત છે. હવે લાખો સરકારી કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે એક અધિકારીએ 2018-19ના પરિણામોની પીડીએફમાં ઉમેદવારના માર્ક્સ સાથે છેડછાડ કરી હતી. એક્ઝામ કોર્ડિનેટરને પરિણામો પાછા મોકલતા પહેલા કર્મચારીએ કેટલાક ઉમેદવારોને પરીક્ષામાં પાસ કરાવવા માટે તેમના માર્ક્સ વધારી દીધા હતા. કોર્ડિનેટરે આ છેડછાડ પકડી હતી અને રજીસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ કરી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ GTU વહીવટીતંત્રએ તપાસ માટે કમિટીની રચના કરી હતી, પરંતુ કર્મચારીએ તેને ભૂલ ગણાવ્યા બાદ સમિતિએ આ મામલે વધુ તપાસ કરી ન હતી અને કર્મચારીને ક્લીનચીટ આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે ખોટા કામ કરનારાઓ સામે કાર્યવાહી કરવાને બદલે યુનિવર્સિટીએ પરીક્ષા લેવાનું બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
રાજ્ય સરકારે CCC ટેસ્ટ કરાવવાની જવાબદારી GTU અને ગુજરાત યુનિવર્સિટીને આપી હતી. બંનેએ આ પરીક્ષા બંધ કરી દીધી છે.