GST રિફોર્મ છતાં દિવાળી ટાણે કેમ સૂનું છે ફટાકડાનું બજાર? જાણો વેપારીઓના મનની વાત | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

GST રિફોર્મ છતાં દિવાળી ટાણે કેમ સૂનું છે ફટાકડાનું બજાર? જાણો વેપારીઓના મનની વાત

દિવાળીને 10 દિવસ બાકી હોવા છતાં અમદાવાદ સહિત ગુજરાતના બજારમાં ઉત્સાહ નથી, ફટાકડાના ભાવોમાં 30 ટકાથી 50 ટકા સુધીનો વધારો

અમદાવાદ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કર્યાના નવ વર્ષ બાદ સરકાર દ્વારા GST સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાના કારણે લોકોની બચત થશે અને દિવાળી સુધરશે એવો સરકારે દાવો કર્યો હતો, પરંતુ જીએસટી સ્લેબમાં થયેલા સુધારાથી ફટાકડા વેચનારા લોકોની દિવાળી સુધરે એવું લાગતું નથી. દિવાળીને અઠવાડિયું બાકી હોવા છતાં પણ ફટાકડાના ઉદ્યોગોમાં હજુ લોકોમાં ઉત્સાહ જોવા મળતો નથી. જાણીએ શું છે માર્કેટનો હાલ.

ફટાકડા ઉદ્યોગ પર GSTનો 18 ટકા સ્લેબ લાગુ

22 સપ્ટેમ્બર 2025 પહેલા GSTના ચાર સ્લેબ અમલમાં હતા, જેમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાનો સમાવેશ થતો હતો. પરંતુ 22 સપ્ટેમ્બર 2025થી માત્ર 5 ટકા અને 18 ટકા સ્લેબને અમલમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, GST સ્લેબમાં ફેરફારથી દિવાળીના ટાણે પણ ફટાકટા ઉદ્યોગમાં કોઈ બરકત થઈ નથી, એવું ફટાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું.

GST રિફોર્મમાં મોટાભાગના ઉત્પાદનોને 28 ટકા સ્લેબમાંથી 18 ટકા સુધી ખસેડવામાં આવ્યા છે. આ સુધારાથી ફટાકડા ઉદ્યોગમાં પણ 18 ટકાથી 5 ટકા સુધીનો ઘટાડો થાયની એવી વેપારીઓ આશા રાખી રહ્યા હતા, પરંતુ તેમની આ આશા પર પાણી ફરી વળ્યું છે. ફટાકડા હજી પણ 18 ટકાના ઊંચા ટેક્સ સ્લેબમાં છે, જેથી અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં આ દિવાળીએ ફટાકડાના ભાવોમાં 30 ટકાથી 50 ટકા જેટલો વધારો જોવા મળશે.

વેચાણ થશે કે નહીં, વેપારીઓ ચિંતિત

ફટાકડા ઉદ્યોગની હાલની પરિસ્થિતિને લઈને અમદાવાદમાં ફટાકડાની દુકાન ચલાવતા એક વેપારીના જણાવ્યાનુસાર, ભારે વરસાદ અને ઓછા પુરવઠાને કારણે ગત વર્ષની સરખામણીમાં આ દિવાળીએ ફટાકડા 50 ટકા મોંઘા થઈ ગયા છે. દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પૂરતું વેચાણ થશે કે નહીં, એને લઈને અમે ચિંતિત છીએ. જ્યારે ફટાકડાના અન્ય એક વેપારીના જણાવ્યાનુસાર આ વર્ષે ફટાકડાના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. જોકે, હાલ ફટાકડાનો પૂરવઠો અને વેચાણ ખૂબ ઓછું છે. આગામી અઠવાડિયાથી ખરીદી વધે તેવી આશા છે.

ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ચેમ્બર્સ (FAIVM)ના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે ટેક્સ સ્લેબ એકમાત્ર પડકાર નથી, પરંતુ ફટાકડા ઉદ્યોગ મોટે ભાગે અસંગઠિત રહે છે અને MRP પર કોઈ નિયંત્રણ નથી. પેકેટ પર છાપેલી કિંમત કરતાં ઉત્પાદનો ઘણા સસ્તા ભાવે વેચાય છે. MRP માત્ર એક નજીવી રકમ છે. ગ્રાહકો ભાવતાલ કરીને જ ફટાકડા ખરીદે છે.

બજારમાં કયા ફટાકડાની વધારે ડિમાન્ડ

ફટાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓના મતાનુસાર મોટા ભાગના પરિવારો ફટાકડા માટે રૂ. 1,000થી રૂ. 3,000નું બજેટ ધરાવે છે. મલ્ટિકલર સ્કાયશોટ યુવાનોમાં વધુ લોકપ્રિય છે અને તે મોંઘા હોય છે. જોકે, સ્કાયશોટની કિંમતો 60 શોટ માટે રૂ. 1,150થી લઈને 1,000 શોટ માટે રૂ. 18,000 સુધીની હોય છે. અન્ય ફટાકડાની કિંમત રૂ. 50થી રૂ. 22,000 સુધીની હોય છે, જે તેના પ્રકાર અને બ્રાન્ડ પર આધાર રાખે છે. આ સિવાય સ્પાર્કલર્સ, પેન્સિલ ક્રેકર્સ અને ચકરી જેવા નાના ફટાકડા બાળકોમાં લોકપ્રિય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button