GST ઘટતા ગુજરાતીઓએ કાર-બાઈકની ધૂમ ખરીદી કરી! વેચાણમાં આટલો વધારો | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

GST ઘટતા ગુજરાતીઓએ કાર-બાઈકની ધૂમ ખરીદી કરી! વેચાણમાં આટલો વધારો

અમદાવાદ: ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) કાઉન્સિલે તાજેતરમાં ટેક્સ સ્લેબમાં સુધારો કર્યો હતો, જેમાં નાની કાર પરનો GST 28%થી ઘટાડીને 18% કર્યો છે, જેને કારની કિંમતમાં રૂ.60,000-2,50,000 સુધીનો ઘટાડો થયો છે. ટૂ-વ્હીલર્સ પરના ટેક્સમાં ઘટાડો થતા ભાવ રૂ.7,000-20,000 ઘટ્યા છે. દિવાળીના તહેવારો પહેલા આ ઘટાડો લાગુ થતાં વાહનોના વેચાણમાં વધારો થયો છે. અહેવાલ મુજબ ગયા વર્ષની સરખામણીમાં ટુ-વ્હીલરના વેચાણમાં 10-12% અને કારના વેચાણમાં 12-15%નો વધારો નોંધાયો છે, જેને કારને ઓટો ડિલર્સની દિવાળી સુધારી છે.

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) ના આંકડા અનુસાર અમદાવાદના ઓટો ડીલરોએ મળીને છેલ્લા પાંચ દિવસમાં 10,000-12,000 ટુ-વ્હીલર અને 4,000-4,500 કારનું વેચાણ કર્યું છે. ગયા વર્ષે દિવાળી પહેલાના દિવસોના આંકડા કરતાં આ આંકડો 10-12% વધુ છે.

આ પણ વાંચો: પુષ્ય નક્ષત્ર પહેલા ધૂમ ખરીદી: અમદાવાદમાં ચાંદીનો સ્ટોક ખૂટ્યો, સોનામાં 100% એડવાન્સની માંગ

આ સમયગાળા દરમિયાન, સમગ્ર ગુજરાતમાં અંદાજિત 60,000-65,000 ટુ-વ્હીલર અને 18,000-20,000 કારનું વેચાણ થયું હતું, જે વાર્ષિક ધોરણે 12-15%નો વધારો દર્શાવે છે.

GST માં ઘટાડાને કારણે વેચાણ વધ્યું:

FADA ગુજરાત પદાધિકારીના જણાવ્યા મુજબ આ દિવાળીમાં વેચાણ 5-7% વધે એવી અપેક્ષા હતી, પરંતુ GST માં ઘટાડો ગેમ ચેન્જર સાબિત થયો. અપેક્ષા કરતા બે ગણું સારું વેચાણ થઇ રહ્યું છે.
અહેવાલ મુજબ ગ્રામીણ વિસ્તારોમાં પણ ટુ-વ્હીલર અને કારના વેચાણમાં 15%નો ઉછાળો નોંધાયો છે.

હજુ વેચાણ ચાલુ રહેશે:

ઓટો ડિલર્સનાં જણવ્યા મુજબ નવરાત્રી પછી વેચાણમાં વધારો નોંધાયો હતો અને ગયા વર્ષની સરખામણીમાં આ દિવાળી સારું વેચાણ થઇ રહ્યું છે. નવા GST દરોને કારણે ગ્રાહકોને ફાયદો થઇ રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આકર્ષક ઑફર્સને કારણે આ ટ્રેન્ડ ઓકટોબર મહિનાના અંત સુધી ચાલુ રહેશે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button