ગુજરાતના મોટા ગરબાના આયોજકો પર GSTના દરોડા: અમદાવાદ-સુરતમાં 10 ટીમની કાર્યવાહી

ટિકિટોના ગેરકાયદે વેચાણ અને કાળાબજારની શંકા, આદિત્ય-જીગરદાન ગઢવીના આયોજનો પણ રડારમાં
અમદાવાદ: ગુજરાતમાં ઠેર ઠેર નવરાત્રીનો ઉત્સાહ ચરમસીમા પર છે. તહેવાર પૂર્ણ થવાના આરે છે પણ ગુજરાતમાં લોકોનો ઉત્સાહ ઘટી રહ્યો નથી ત્યારે અમદાવાદ અને સુરત સહિત ઘણા ગરબામંડળના વિવિધ આયોજકો પર GST વિભાગની દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. રાજ્યના મોટા ગરબા આયોજનોમાં ટિકિટોના ગેરકાયદે વેચાણ અને કાળાબજારની શંકાએ 25 સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
અમદાવાદ અને સુરત શહેરમાં GST વિભાગની 10 ટીમે જાણીતા ગરબા આયોજનો પર દરોડા પાડ્યા છે. સુરત અને અમદાવાદમાં આદિત્ય ગઢવી (રંગ મોરલો), જીગરદાન ગઢવી (સ્વર્ણિમ નગરી ગરબા), ઉમેશ બારોટ (સુર્વણ નવરાત્રિ-સુરત) અને પૂર્વા મંત્રી (સુવર્ણ નવરાત્રિ-અમદાવાદ) જેવા લોકપ્રિય કલાકારોના ગરબા આયોજનોમાં રેડ કરવામાં આવી છે. GST વિભાગે ખાસ કરીને બ્લેકમાં વેચાતા પાસ અને ટિકિટોના ગેરકાયદે વ્યવહારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેનાથી આયોજકોમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો : રાજ્યમાં એકસાથે 15 વોટરપાર્ક પણ SGSTના દરોડા; કરોડોની કરચોરી પકડાઈ
GST વિભાગની આ કાર્યવાહીનું મુખ્ય કારણ ગરબાના પાસનું ગેરકાયદે વેચાણ અને કાળાબજાર થતા હોવાનું પણ માનવામાં આવ્યું છે. રાજ્યના મોટા ગરબા આયોજનોમાં ટિકિટોના વેચાણમાં પારદર્શિતાનો અભાવ છે, અને ઘણી વખત આવકને છુપાવવા માટે ગેરરીતિઓ અપનાવવામાં આવે છે. આ રેડ દ્વારા વિભાગ ટિકિટોના વેચાણની આવક અને તેના પર લાગુ GSTની ચોકસાઈ કરી રહ્યું છે, જેથી ટેક્સ ચોરીને અટકાવી શકાય. 25થી વધુ સ્થળો પર 500થી વધુ પાસની કિંમત ધરાવતા મંડળના વિવિધ આયોજકો પર દરોડા પાડવામાં આવ્યા છે.
આ દરોડાઓએ ગરબા આયોજકોમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે, કારણ કે નવરાત્રી ગુજરાતમાં માત્ર સાંસ્કૃતિક ઉત્સવ નથી, પરંતુ એક મોટો વ્યવસાય પણ છે. આવી કાર્યવાહીઓથી આયોજકોને વધુ પારદર્શક રીતે કામ કરવાની ફરજ પડશે. આ ઉપરાંત, આ રેડ ભવિષ્યમાં ગરબા આયોજનોની ટિકિટિંગ પ્રક્રિયા અને નાણાકીય વ્યવહારો પર પણ અસર કરી શકે છે, જેનાથી આયોજકોને વધુ નિયમોનું પાલન કરવું પડશે. ખાસ કરીને કેશ કાઉન્ટર પર વેચાણ અને મોટી રકમની અનિયમિતતા જોવા મળી હોવાનું કહેવાય છે.