આપણું ગુજરાત

થઈ જાઓ તૈયારઃ GPSCએ પ્રિલિમિનરી પરીક્ષાઓનું ટાઈમટેબલ જાહેર કર્યું: જાણો સંપૂર્ણ વિગત

ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન 18 વિવિધ કેડરની પરીક્ષાઓ યોજાશે

ગાંધીનગર: ગુજરાતમાં સરકારી ઓફિસર બનવાનું સપનું સેવતા યુવાનો માટે વર્ષ 2026ની શરૂઆત સારા સમાચાર લઈને આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ ક્લાસ-1 અને ક્લાસ-2 કેડરની પ્રાથમિક પરીક્ષાઓનું સમયપત્રક સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. લાંબા સમય બાદ પરીક્ષાની તારીખો જાહેર થતા જ રાજ્યના હજારો ઉમેદવારોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે તેઓ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.

GPSC દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો અનુસાર ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન કુલ 18 જેટલા અલગ-અલગ વિભાગોની પ્રિલિમિનરી પરીક્ષાઓ તબક્કાવાર લેવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં વહીવટી પાંખથી લઈને ટેક્નિકલ અને શૈક્ષણિક સેવાઓ સુધીના મહત્વના પદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવારોની સગવડતા અને પારદર્શિતા જાળવવા માટે પરીક્ષાઓનું આયોજન અગાઉથી નક્કી કરેલા માળખા મુજબ જ કરવામાં આવશે.

આ પણ વાંચો : GPSCની જેમ UPSCના ઇન્ટરવ્યુમાં પણ થાય છે ભેદભાવ? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા..

આ શેડ્યૂલ મુજબ સચિવાલય સેવાઓમાં રહસ્ય સચિવ (ક્લાસ-2) અને મદદનીશ વહીવટી અધિકારી જેવા પદો માટે કસોટી લેવાશે. આ ઉપરાંત વિશેષ સેવાઓ હેઠળ પશુચિકિત્સા અધિકારી, MIS મેનેજર અને મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી જેવા ટેક્નિકલ પદો માટે પણ પરીક્ષાની તારીખો ફાઈનલ કરવામાં આવી છે. શિક્ષણ સેવાના અધિકારીઓ, ગ્રંથપાલ, નાયબ માહિતી નિયામક અને મત્સ્યોદ્યોગ વિભાગના વહીવટી અધિકારીઓ માટે પણ આ જ સમયગાળામાં પરીક્ષા કેન્દ્રો પર પ્રાથમિક કસોટીનું આયોજન થશે.

આયોગના ચેરમેને સોશિયલ મીડિયા દ્વારા સંકેત આપ્યા છે કે હાલમાં વિવિધ સરકારી વિભાગો સાથે ખાલી પડેલી જગ્યાઓ અને નવી ભરતી અંગે પરામર્શ ચાલી રહ્યો છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં વર્ષ 2026નું આખું ભરતી કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે. આ કેલેન્ડરથી ઉમેદવારોને આખા વર્ષ દરમિયાન આવનારી ભરતીઓનો અગાઉથી ખ્યાલ આવશે, જેથી તેઓ સુવ્યવસ્થિત આયોજન સાથે અભ્યાસ કરી શકે.

આ પણ વાંચો : GPSCના પેપરસેટર્સની યોગ્યતા પર હાઈકોર્ટ આક્રમક, કોર્ટે જીપીએસસીને આપ્યું 8 પ્રશ્નોનનું પેપર

GPSC એ ઉમેદવારોને ખાસ તાકીદ કરી છે કે પરીક્ષાના સ્થળ, સમય અને પ્રવેશપત્ર (કોલ લેટર) ડાઉનલોડ કરવા જેવી મહત્વની વિગતો માટે માત્ર સત્તાવાર વેબસાઇટ પર જ ભરોસો રાખવો. સોશિયલ મીડિયા પર વહેતા થતા ફેક ન્યૂઝથી બચવા અને નિયમિત અપડેટ્સ મેળવવા માટે આયોગની વેબસાઇટ ચેક કરતા રહેવાની સલાહ આપવામાં આવી છે. હવે જ્યારે તારીખો સામે છે, ત્યારે લાયબ્રેરી અને રીડિંગ સેન્ટર પર ઉમેદવારોની ભીડ વધતી જોવા મળી રહી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button