ગોપાલ ઇટાલિયા-કાંતિભાઈ અમૃતિયા અમને-સામને, મોરબીમાં જામશે ચૂંટણી જંગ? જાણો છે મામલો…

મોરબી: ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા પેટા-ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)ની મોટી સફળતા મળી હતી. વિસાવદર બેઠક પરથી AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા(Gopal Italia)એ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે 17,000 મતથી જીત મેળવી હતી, AAPની આ જીતને ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં ગાબડું માનવામાં આવે છે. એવામાં મોરબીના ભાજપના વિધાનસભ્ય કાંતિભાઈ અમૃતિયા(Kantibhai Amrutiya)એ ગોપાલ ઇટાલિયને પડકાર ફેંકતા રાજકારણ વધુ ગરમાયું છે.
કાંતિભાઈ અમૃતિયાનો પડકાર:
કાંતિભાઈ અમૃતિયાએ ગુજરાતના ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે. કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું છે કે જો ગોપાલ ઇટાલિયા મોરબી બેઠક પર ચૂંટણી જીતી બતાવે તો, તેઓ તેમને 2 કરોડ રૂપિયા ઇનામ તરીકે આપશે. ગોપાલ ઇટાલિયાએ કાંતિભાઈ અમૃતિયાના પડકારને સ્વીકારી લીધો છે.
કાંતિભાઈ અમૃતિયાનું કહેવું છે કે AAP કાર્યકરો મોરબીમાં ગોપાલ ઇટાલિયાનું નામ લઇને લોકોને ધમકાવી રહ્યા છે. જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો તેઓ મોરબીથી ચૂંટણી લડી બતાવે.
ઇટાલિયાનો વળતો જવાબ:
કાંતિભાઈ અમૃતિયાને જવાબ અપાતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું છે કે તેઓ મોરબીથી ચૂંટણી લડવા માટે તૈયાર છે. કાંતિભાઈએ પહેલા કોઈની સલાહ લીધા વિના રાજીનામું આપવું જોઈએ, જેથી બેઠક ખાલી થાય અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાઈ શકે.
ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે રાજીનામું આપવા બાબતે કાંતિભાઇ અમૃતિયાએ ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન સીઆર પાટીલનું બહાનું ન બનાવવું જોઈએ.ગોપાલ ઇટાલિયાએ પડકાર સ્વીકાર્યા પછી, અમૃતિયા હવે કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાએ પહેલા રાજીનામું આપવું જોઈએ પછી ચૂંટણી લડવી જોઈએ.
રાજકારણ ગરમાયું:
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મોરબી વિધાનસભા બેઠક પર જીત મેળવી કાંતિભાઈ અમૃતિયા સાતમી વખત વિધાનસભ્ય બન્યા. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના સમયે તેઓ વિધાનસભ્ય ન હતાં, દુર્ઘટના સમયે નદીમાં કુદીને તેમણે લોકોના જીવ બચાવ્યા હતાં, જેને કારણે તેમણે હિરો તરીકે છાપ બનાવી હતી. ભાજપ તત્કાલીન પ્રધાન અને વિધાનસભ્ય બ્રજેશ મેરજાની ટિકિટ કાપીને કાંતિભાઈ અમૃતિયાને ઉમેદવાર બનાવ્યા હતાં, જેમાં તેમણે જીત મેળવી હતી.
વિસાવદરમાં ગોપાલ ઈટાલીયાની જીત બાદ AAP કાર્યકરોનો જુસ્સો વધ્યો છે, કાર્યકર્તાઓ મોરબીના વિવિધ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, જેનાથી નારાજ થઈને કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઈટાલીયાને પડકાર ફેંક્યો હતો.