પોરબંદરવાસીઓ માટે ખુશખબરઃ આ ટ્રેનને મળશે ચાર કાયમી વધારાના કોચ
અમદાવાદઃ મહાત્મા ગાંધીનું વતન હોવા છતાં પોરબંદર ઘણી સુવિધાઓથી વંચિત છે. પોરબંદરમાં માંડ ચાલુ થયેલી હવાઈસેવા ઘણા સમયથી બંધ છે. આથી લાંબા અંતરની મુસાફરી માટે રેલવે પર જ નિર્ભર રહેવું પડે છે. પોરબંદરથી અમદાવાદ-વડોદરા કે મુંબઈ જવા માટે ખૂબ જ ઓછી વ્યવસ્થા છે અને ખાસ કરીને મુંબઈ જવા માટે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ એક જ માફક આવે તેવી ટ્રેન છે. ત્યારે હવે આ ટ્રેનમાં ચાર કોચ વધારાના કાયમી ધોરણે જોડાવાના છે તે ખરેખર સારા સમાચાર છે. પહેલી ડિસેમ્બરની આ વધારાની સુવિધા બન્ને શહેરો વચ્ચે મુસાફરી કરનારા મુસાફરોને મળશે.
રેલવેએ આપેલી જાણકારી અનુસાર પશ્ચિમ રેલ્વે પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન (19016/19015)માં કાયમી ધોરણે એક સેકન્ડ એસી, એક થર્ડ એસી અને બે સેકન્ડ સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવશે, જેની વિગતો લગાવી રહી છે. ટ્રેન નંબર 19016/19015 પોરબંદર-દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માં પોરબંદર સ્ટેશનથી 01.12.2023 થી અને દાદર સ્ટેશનથી 03.12.2023 થી ઉપરોક્ત તમામ વધારાના કોચ લગાડવામાં આવશે.
જોકે આ ટ્રેન ઘણા સ્ટોપ કરતી હોવાથી અને મુંબઈ પહોંચવા વધારે સમય લેતી હોવાની ફરિયાદ પણ પ્રવાસીઓ કરતા હોય છે, પરંતુ આ બે શહેરો વચ્ચે હાલમાં આ રેલસેવા મહત્વની છે.