અમદાવાદથી ફ્લાઈટમાં જવાનું છે ?: તો પહેલા આ સૂચના વાંચી લેજો
અમદાવાદઃ તમે ગુજરાતમાં આવ્યા હો અને અમદાવાદ એરપોર્ટ પરથી ફ્લાઈટ લેવાની હોય તો તમારી માટે ખાસ સૂચના છે. ગુજરાતમાં આવતીકાલથી 12 જાન્યુઆરી સુધી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ-2024ની શરૂઆત થશે. રાજ્યમાં રોકાણ આકર્ષવા માટે યોજવામાં આવતી આ સમિટની દસમી એડિશનને લીધે અમદાવાદ અને ગાંધીનગરમાં દેશ-વિદેશના મહેમાનોનો ધમધમાટ રહેશે. સ્વાભાવિક છે કે આને લીધે અમદાવાદનું એરપોર્ટ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે ત્યારે તમે જો અમદાવાદથી પ્લાઈટ પકડવાના હો તો તમારે એરપોર્ટ બને તેટલા વહેલા પહોંચવું, તેવી સલાહ એરપોર્ટ ઓથોરિટીએ આપી છે.
વાયબ્રન્ટ સમિટને લીધે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનો ધસારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર એક દિવસમં 400 ફ્લાઈટ્સ અમદાવાદ એરપોર્ટ પરથી અવરજવર કરે તેવી સંભાવના છે. આ સાથે લગભગ 150 જેટલા વીઆઈપી જેટ પણ અહીં આવશે.
અમદાવાદ એરપોર્ટ પર 9 થી 12 જાન્યુઆરી દરમિયાન વધુ મુસાફરોની અવરજવર થશે તે સ્વાભાવિક છે. આથી એરપોર્ટ ઓથોરિટીએ સૂચનાપત્ર બહાર પાડ્યું છે, જેમાં જણાવ્યું છે કે અમે અમારા તમામ મુસાફરોને વિનંતી કરીએ છીએ કે તેઓ પોતાની ફ્લાઈટના નિયત સમય કરતા વધારે વહેલા એરપોર્ટ પર આવે. તમારી સલામતી અને આરામ અમારી ટોચની પ્રાથમિકતાઓ છે. વાઈબ્રન્ટ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટ પર ધસારો જોવા મળ્યો છે.
તેથી ડોમેસ્ટિક પેસેન્જરોને ઓછામાં ઓછા 3 કલાક પહેલા પહોંચવા સૂચના અપાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એરપોર્ટથી ગાંધીનગર મહેમાનોનો કાફલો સતત આવતો-જતો રહેશે આથી આગામી ત્રણ-ચાર દિવસ અમદાવાદ ગાંધીનગરમાં ટ્રાફિકજામની પૂરી સંભાવના છે.