ગોધરા પોલીસ સ્ટેશન પર હુમલો કરનારા 21ની ધરપકડ, પોલીસે સરઘસ કાઢી પાઠ ભણાવ્યો…

ગોધરા, દાહોદઃ ગોધરા શહેરમાં પોલીસ સ્ટેશન પર હુમલો થયો હતો. શુક્રવારે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર થયેલા હુમલાની ઘટનામાં કુલ 88 લોકો સામે ગુનો દાખલ થયો હતો, જેમાંથી 21 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના બાદ આજે પોલીસ દ્વારા આ આરોપીઓનું ચુસ્ત બંદોબસ્ત સાથે શહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.
શું હતો સમગ્ર વિવાદ?
નવરાત્રિના તહેવારને લઈને પોલીસે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને સ્ટેશનમાં બોલાવી વિવાદાસ્પદ પોસ્ટ ન કરવાની વિનંતી કરી હતી. જોકે ઈન્ફ્લુએન્સરના નામે પૂર્વે બનાવાયેલા ધાર્મિક વીડિયો અંગે ગેરસમજ ફેલાતા ટોળું સ્ટેશન બહાર ભેગું થયું હતું.
પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા ટોળાએ પથ્થરમારો કર્યો હતો તથા ચોકી નંબર 4 આગળ તોડફોડ કરી હતી. હુમલામાં કેટલાક પોલીસકર્મીઓને ઈજાઓ થતાં પોલીસે લાઠીચાર્જ કરી કામગીરી હાથ ધરી હતી. પોલીસે લાઠીચાર્જ કર્યો ત્યારે સમગ્ર મામલો થાળે પડ્યો હતો.
રાતોરાત 21 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં તોડીફોડ કરીને સામાન બહાર ફેંકી દીધો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પંચમહાલ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઓપરેશન ચલાવી રાતોરાત 21 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આજે તે તમામ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેના કારણે અન્ય લોકો આવું કૃત્ય કરતા પહેલા વિચારી શકે. એટલું જ નહીં પરંતું નવરાત્રિ દરમિયાન શહેરમાં પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…ગુજરાતના ગોધરા અને વડોદરા પોલીસ સ્ટેશનમાં જ હંગામો અને તોડફોડ , પોલીસે લાઠીચાર્જ કર્યો