30 ફૂટ ઊંડા બોરવેલમાં પડી બાળકીઃ આઠ કલાક બચાવ કામગીરી ચાલી પણ…
દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર તાલુકા પાસે આવેલા રાણ ગામમાં ગઇકાલે રાત્રે એક અઢી વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઇ હતી. 30 ફૂટ ઊંડા બોરવેલમાં બાળકી ફસાઇ જતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને તેના રેસ્કયુ માટેની તજવીજ પણ હાથ ધરાઇ હતી, જો કે બાળકીને બચાવવામાં તો સફળતા મળી હતી પરંતુ તે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત થઇ ગયું.
બાળકી એન્જલ બોરવેલમાં ફસાઇ છે તેવી જાણ થતા જ તેને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને ડોક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ડિફેન્સ, NDRF અને SDRFની ટીમ પણ બાળકીના બચાવ કાર્યમાં લાગ્યા હતા. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક તથા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સતત 8થી 10 કલાક ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનના સમાચાર પણ તરત પ્રસારિત થતા ઘટના રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.
દેવભૂમિ દ્વારકાના એસપી નિતેશ પાંડેએ પત્રકારોને જણાવ્યા મુજબ બપોરે 1 વાગ્યે અમને માહિતી મળી હતી કે કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં એક બાળકી બોરવેલમાં પડી છે. સ્થાનિક વહીવટીતંત્રની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને ત્યારબાદ NDRFની ટીમ અને આર્મીના સંયુક્ત પ્રયાસોથી છોકરીને 8 કલાક પછી બચાવી લેવામાં આવી હતી. અમે બાળકીને ગ્રીન કોરિડોર દ્વારા હોસ્પિટલમાં મોકલી હતી. જોકે લાંબા સમય સુધી નીચે ફસાયેલી હોવાથી પૂરતો ઓક્સિજન ન મળતા બાળકીનું કરૂણ મોત થયું હતું.