દરિયામાં ફસાઈ ઘોઘા-હજીરા ફેરી સર્વિસઃ યાત્રાળુઓના જીવ અદ્ધર
ભાવનગર: અરબસાગરમાં ઘોઘા-હજીરા ફેરી સર્વિસનું એક જહાજ કીચડમાં ફસાઇ જતા લગભગ પાંચ કલાકથી પણ વધુ સમય સુધી જહાજ દરિયામાં ફસાયેલું રહ્યું હતું. જો કે રેસક્યુ ઓપરેશન તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા જેથી મોટી જાનહાનિ ટળી હતી.
ભાવનગરના ઘોઘા ટર્મિનલથી 500 યાત્રીઓ અને 60 વાહનોને લઇને રો-પેક્સ રી-સર્વિસનું એક જહાજ હજીરા ટર્મિનલ તરફ જવા માટે સાંજે 6 વાગ્યાની આસપાસ નીકળ્યું હતું. પરંતુ ટર્ન લેવા જતા જહાજ રસ્તો ભટકી ગયું હતું અને દરિયાના કાદવમાં ફસાઇ ગયું.
ભાવનગર કલેક્ટરના જણાવ્યા મુજબ ઘોઘા-હજીરા ફેરી સર્વિસ જહાજ ભટકી જતા ખોરવાઇ ગઇ હતી. જહાજ પર સવાર તમામ મુસાફરો ગભરાઇ ગયા હતા અને તરત જ રેસ્કયુ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. ફેરી ચલાવનારી કંપનીનો સંપર્ક સાધી આશરે સાડા પાંચ કલાકની જહેમત બાદ જહાજને કીચડમાંથી કાઢી પરત ઘોઘા ટર્મિનલ પર લાવવામાં આવ્યું હતું.
ટર્મિનલ પર જહાજ લાવ્યા બાદ વારાફરતી તમામ મુસાફરોને હેમખેમ ઉતારવામાં આવ્યા હતા. પ્રવાસીઓમાં વૃદ્ધો, બાળકો પણ હતા. કેટલાક પ્રવાસીઓએ દાવો કર્યો હતો કે જહાજ ફસાઇ ગયાની માહિતી તેમનાથી છુપાવવામાં આવી હતી. પ્રવાસીઓએ અસુરક્ષા અનુભવી હોવાના પણ આક્ષેપ કર્યા હતા.