By Poll: વાવના ત્રિપાંખિયા જંગમાં હાર્યા પછી ગુલાબસિંહ અને ગેનીબેને આપ્યા નિવેદન, કહ્યું જાતિવાદી સમીકરણો…
વાવ: ગુજરાતની બહુચર્ચિત વાવ વિધાનસભા બેઠક પરની પેટાચુંટણીમાં ભારે રસ્સાકસ્સી ભરેલી ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. વાવ બેઠક પર જામેલા ત્રિપાંખિયા જંગ વચ્ચે સ્વરૂપજી ઠાકોરે જીતનો સ્વાદ ચાખ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને હરાવીને ભાજપે આ બેઠક પર જીત મેળવી છે.
આ બેઠક પર ભારે ખેંચતાણ જોવા મળી હતી અને અંતે કમળ ખીલ્યું હતું. આ જીત બાદ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહે નિવેદન આપ્યા છે.
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયું છે. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુતને હરાવીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2442ની લીડથી જીત હાંસલ કરી છે. આ પરિણામોથી વાવ બેઠક પર કોઇ પ્રથમવાર ઓછી લીડથી જીત મેળવી છે. વળી આ વખતે લોકસભા જીતનાર કોંગ્રેસને વાવ વિધાનસભા બેઠક પર હારનો સ્વાદ ચાખવાની નોબત આવી છે.
આપણ વાંચો: વાવ વિધાનસભા પેટાચૂંટણી પરિણામઃ ત્રિપાંખિયા જંગમાં કમળ ખીલ્યું, ગુલાબ સિંહની હાર
ગેનીબેને કહ્યું ખૂબ મહેનત કરી પણ…
ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, ‘વાવ વિધાનસભા બેઠક પર જીત મેળવવા માટે સંગઠનથી લઈને પાર્ટીના કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી હતી, ખૂબ જ ઓછા મતોથી અંતે આ બેઠક હાર્યા છીએ. જે પણ નાનીમોટી ક્ષતિઓ રહી ગઈ છે તેનું નિરીક્ષણ કરીને આગામી સમયમાં વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરીએ એવા પ્રયાસ કરીશું.
અપક્ષ ઉમેદવાર, જાતિવાદી સમીકરણો જેવી બાબતોને કારણે મતોનું ભાજપમાં વિભાજન થયું. પરંતુ અંતે લોકશાહીમાં પ્રજા મતદારો સર્વોપરી હોય છે અને તેનું સન્માન કરવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
આપણ વાંચો: Gujaratની વાવ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીની મતગણતરી શરૂ, કોણ મારશે બાજી ?
ગુલાબસિંહે મતદારોનો માન્યો આભાર
કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે વાવ વિધાનસભા બેઠકના મતદારોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, તંત્ર અને તમામ સતાઓ તેમની પાસે હોવા છતાં ખૂબ જ નજીવા તફાવતથી જ જીત મેળવી છે. તેમણે વાવ, સુઈગામ, ભાભરના મતદારોનો આભાર માન્યો હતો.