ગુજરાતમાં મોટી માનવ તસ્કરી સિન્ડિકેટનો પર્દાફાશ: 41 નાગરિકોને વિદેશ મોકલી બંધક બનાવનાર ગેંગ ઝડપાઈ…

અમદાવાદ: ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ (CCoE) દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય એક સંગઠિત માનવ તસ્કરી અને સાયબર ક્રાઇમ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એક ગેંગે ગુજરાતના 41 જેટલા નાગરિકોને ઊંચા પગારની લાલચ આપી વિદેશ મોકલીને તેમને બંધક બનાવ્યા હતા, સાથોસાથ તેમની પાસે બળજબરીથી ‘સાયબર સ્લેવરી’ કરાવતી હતી. આવો જાણીએ સમગ્ર મામલો શું છે.
‘ડેટા એન્ટ્રી’ની લાલચ આપી મોકલ્યા વિદેશ
આરોપીઓ તેમના સબ-એજન્ટો સાથે મળીને ગુજરાતના યુવાનોને વિદેશમાં ‘ડેટા એન્ટ્રીની જોબ પ્લેસમેન્ટ’ની લોભામણી લાલચ આપતા હતા. ટિકિટ બુક કરાવીને, પાકિસ્તાની એજન્ટો (મીયાઝઅલી અને તનવીર) મારફતે કુલ 41 નાગરિકોને મ્યાનમાર, દુબઈ, વિયેતનામ અને મલેશિયા જેવા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં મોકલી દેવાયા હતા.
ભોગ બનનાર લોકો એરપોર્ટ પર પહોંચતા જ, ચીની ગેંગના એજન્ટો દ્વારા તેમના પાસપોર્ટ અને મોબાઈલ સહિતના દસ્તાવેજો જપ્ત કરી લેવામાં આવતા હતા. ત્યારબાદ તેમને ગેરકાયદેસર રીતે મોઇ નદી મારફતે સરહદ પાર કરાવીને મ્યાનમારના સરહદી વિસ્તારમાં આવેલા કે.કે.પાર્ક, મ્યાવાડી ટાઉનશિપ ખાતેના ચાઇનીઝ હબમાં બંધક બનાવવામાં આવતા હતા.
બંધક બનાવેલા આ ભારતીય નાગરિકોને શારીરિક અને માનસિક ત્રાસ આપીને ફિશીંગ, ક્રિપ્ટો સ્કેમ, પોન્ઝી સ્કીમ અને ડેટીંગ એપ દ્વારા છેતરપીંડી જેવા વિવિધ સાયબર ગુનાઓ કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા. જે નાગરિકો સહકાર આપવાનો ઇનકાર કરતા, તેમને છ મહિના કે તેથી વધુ સમય માટે ગેરકાયદેસર અટકાયતમાં રાખીને હેરાન-પરેશાન કરાતા હતા.
ત્રણ આરોપીઓની ધરપકડ
સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સની ટીમે આ સમગ્ર આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટ સાથે મળીને ગુના આચરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમા સોનલ સંજયભાઈ ફડદુ (જૂનાગઢ), સંજયભાઇ હરીભાઇ ફળદુ (જૂનાગઢ), શૈલેશભાઈ વાલજીભાઈ ડાભી (આણંદ)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ૩ મોબાઇલ ફોન જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



