ગંભીરા પુલ દુર્ઘટના: સીએમના આદેશ બાદ 4 એન્જિનિયર સસ્પેન્ડ, અન્ય પુલોની તપાસના આદેશ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં. ગઈકાલે આ દુર્ઘટના થયાની જાણ થઈ ત્યારથી જ મુખ્ય પ્રધાન દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું.
મુખ્ય પ્રધાને નિષ્ણાંતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.
નિષ્ણાંતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલાં અધિકારીઓ એન. એમ. નાયકાવાલા – કાર્યપાલક ઇજનેર, યુ. સી. પટેલ – નાયબ કાર્યપાલક ઇજનેર, આર.ટી.પટેલ – નાયબ કાર્યપાલક ઇજનેર તથા જે. વી. શાહ – મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય કર્યો હતો.
આ ઉપરાંત, રાજ્યના અન્ય પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યપ્રધાને આપી હતી.