"લૂંટેરા સમૂહલગ્ન": અમદાવાદમાં લગ્નની કંકોત્રી છાપીને કરી 24 લાખની છેતરપિંડી…. | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

“લૂંટેરા સમૂહલગ્ન”: અમદાવાદમાં લગ્નની કંકોત્રી છાપીને કરી 24 લાખની છેતરપિંડી….

અમદાવાદ: લગ્નમાં ‘લુંટેરી દુલ્હન’ના કિસ્સાઓથી આપણે સૌ પરિચિત છીએ પરંતુ લૂંટેરા લગ્નઆયોજકનો કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. અહી એક સમૂહ લગ્ન સંચાલકની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. હકીકતમાં સમૂહ લગ્ન આયોજકે દરેક યુગલ પાસેથી 22 હજાર રૂપિયા લીધા હતા અને અંતે કુલ 24 લાખ રૂપિયાની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ લગ્નની નોંધણી કરાવનાર યુગલોએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી કાર્યવાહી કરીને પોલીસ આરોપી પ્રકાશ પરમારની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના વસ્ત્રાલમાં હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ 27ના રોજ 113 યુગલો પ્રભુતામાં પગલાં પાડવાના હતા. જેના માટે દરેક યુગલે 22 હજાર રૂપિયા ભર્યા હતા. આ લગ્નમાં સંચાલકો તરફથી મંગલસૂત્ર, ચાંદીના પાયલ, ઇયરિંગ સહિત 22 વસ્તુઓ આપવાના હતા. આ માટે સંચાલકે 24 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા.

પીડિતના કહેવા પ્રમાણે 27ના રોજ લગ્ન થવાના હતા આથી ઘરે લગ્નની તૈયારી ચાલી રહી હતી. લગ્નના આગળના દિવસે જ લગ્નના સ્થળ પર કોઈ તૈયારી કરવામાં નહોતી આવી અને આગળ દિવસે સંચાલકોની ઓફિસે પણ તાળાં મારેલા હતા. નોંધણી કરાવેલ અન્ય લોકો પણ તે સ્થળે આવ્યા હતા. ત્યારબાદ સંચાલકને ફોન કરવામાં આવતા તેનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો. આથી બધાને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Back to top button