આપણું ગુજરાત

જળજળાકાર સૌરાષ્ટ્ર- 174 રસ્તા બંધ, 483 લોકોનું સ્થળાંતર : 30 ગામોમાં ખોરવાયો વીજ પુરવઠો

છેલ્લા 48 કલાકથી પોરબંદર -દ્વારિકાને ઘમરોળતા મેઘરાજાએ પોરબંદરના નાગરિકોને વિષમ સ્થિતિમાં મૂકી દીધા છે .ત્યારે પોતાના સંસદીય મત વિસ્તારની મુલાકાતે પહોચી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સ્થિતિનો તાગ મેળવ્યો સાથે જ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી અને અતિભારે વરસાદના કારણે પોરબંદરમાં થયેલી નુકસાની પર ચર્ચાઓ કરી છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે વરસાદના પગલે પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના વાહન અને ઘરવખરી પુરી રીતે નષ્ટ થઈ ગયા છે અને પોરબંદરમાં છેલ્લા 48 કલાકમાં 30 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં પોરબંદર, દ્વારકા,વલસાડ,નવસારી જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.ગુજરાતમાં ભારે વરસાદના કારણે આજે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 174 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તાઓમાં 152 પંચાયત હસ્તકના, 7 સ્ટેટ હાઇવે અને 14 અન્ય રસ્તાઓનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ 70 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે પોરબંદર જિલ્લામાં 65 રસ્તાઓ બંધ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 16 રસ્તાઓ બંધ છે, જ્યારે રાજકોટ અને જામનગર જિલ્લામાં દરેકમાં 6-6 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

આ પરિસ્થિતિને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે વધુ રસ્તાઓ બંધ કરવાની તૈયારી રાખવામાં આવી છે.

30 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

ગુજરાત રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 30 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આ અસરગ્રસ્ત ગામો મુખ્યત્વે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા છે.

સૌથી વધુ અસર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી છે, જ્યાં 19 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. પોરબંદર જિલ્લામાં 8 ગામો અને જૂનાગઢ જિલ્લામાં 3 ગામો વીજળી વિનાના થયા છે.

45 લોકોનું રેસ્ક્યૂ, 483નું સ્થળાંતર

ગુજરાત રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે આજે વધુ 45 લોકોને બચાવ દળો દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યભરમાં કુલ 483 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેઘતાંડવની સ્થિતિ છે. પોરબંદરમાં 20 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે તો ઉપલેટા તાલુકા અને આસપાસના ગામડામાં પણ ભારે વરસાદે બધું જ જળમગ્ન કરી દીધું છે. ભારે વરસાદના કારણે અહીં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમા પાણી ઘુસી ગયા હતા. પોરબંદર, રાજકોટના ઉપલેટા સહિત જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં પણ મેઘતાંડવની સ્થિતિ છે.

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો તો દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો આકડિંય માહિતી પર નજર કરીએ

સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય પ્રભાવિત જિલ્લાઓમાંથી પણ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button