સાબરમતીમાં ફરી બે અજાણ્યા યુવાનની તરતી લાશ મળી
અમદાવાદની સાબરમતી નદી અને અહીંનું રિવરફ્રન્ટ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ આ સ્થળ થોડા સમયથી વધારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને પોલીસ તેમ જ સ્થાનિક તંત્ર માટે ચિંતાનું કેન્દ્ર પણ બન્યું છે. થોડા દિવસો પહેલા અહીંથી એક જ દિવસમાં ચાર લાશ મળી આવી હતી ત્યારે આજે ફરી બે અજાણી લાશ તરતી જોવા મળી હતી.
મહત્વનું છે કે આ બંને લાશ યુવકોની છે. જેમાંથી એકની ઉંમર આશરે 35થી 40 વર્ષની છે, જ્યારે કે બીજાની ઉંમર 25થી 30 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.
અહીંના સપ્તર્ષિ સ્મશાન પાસેથી એક અજાણ્યા યુવકની લાશ મળી હોવાનું બહાર આવ્યું છે. આ એક યુવકની લાશ હતી, જેની વય આશરે 35થી 40 વર્ષની હોવાનું જણાઈ રહ્યું છે. આ લાશ અડધી સડેલી હાલતમાં મળી છે. જે નદીના પાણીમાં તરી રહી હતી. આ વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
આ ઉપરાંત એક અન્ય લાશ આજે દૂધેશ્વર બ્રિજ પાસેથી મળી હોવાની વિગતો મળી છે. આ પણ એક યુવાનની જ લાશ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક યુવાનની વય આશરે 25થી 30 વર્ષ હોવાનું જણાઈ રહ્યું છે. આ યુવકો કોણ છે અને તેમની સાથે શું બન્યું વગેરે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. જો કે સૂત્રોએ જણાવેલી માહિતી અનુસાર આ આત્મહત્યા હોવાનું બંને યુવાનોએ નદીમાં ઝંપલાવ્યું હોવાનું સંભવ છે. આ બંને મૃતદેહોને ફાયરબ્રિગેડ દ્વારા નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હવે આ મામલે વિશેષ તપાસ થાય તેવી શક્યતાઓ છે.
આ અગાઉ પણ અમદાવાદમાં એલિસબ્રિજથી આંબેડકર બ્રિજ સુધીના વિસ્તારમાં સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં ચાર મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં તમામને પોસ્ટ મોર્ટમ માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને રિવરફ્રન્ટ પોલીસે તેમની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી. સાબરમતી રિવરફ્રન્ટ પર આત્મહત્યા ન કરવા અને તે કોઈ સમસ્યાનો ઉકેલ નથી તેવા સંદેશા સાથે હેલ્પલાઈન નંબરવાળા બોર્ડ પણ રાખવામાં આવ્યા છે. અહીં સુરક્ષાકર્મીઓ પણ તહેનાત હોય છે, તેમ છતાં છાશવારે આત્મહત્યાના બનાવ બને છે.