આખરે અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડવા એએમસીએ કરી સત્તાવાર જાહેરાત
અમદાવાદઃ શહેરના હાટકેશ્વર બ્રિજ (Hatkeshwar Bridge)ને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બ્રિજને તોડી પાડવા અને તેના સ્થાને 4 લેન બ્રિજ બનાવવા માટે 51.70 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ઈચ્છુક કંપનીઓને તારીખ 1 એપ્રિલ 2024 સુધીમાં ટેન્ડર ભરવાનું રહેશે.
મ્યુનિ. દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં બ્રિજને તોડી, તેનું પુનઃનિર્માણ, ડિઝાઈન અને બાંધકામ આ તમામ વસ્તુઓ સામેલ છે. હાટકેશ્વર બ્રિજ જાહેર જનતાના ઉપયોગ માટે વર્ષ 2017માં ખોલવામાં આવ્યો હતો, પરંતુ બ્રિજની ખરાબ સ્થિતિ અને નબળા બાંધકામના કારણે વર્ષ 2022માં તેને બંધ કરી દેવામાં આવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજની સ્થિતિની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. IIT રૂરકી દ્વારા બ્રિજની સ્થિતિની તપાસ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે જાહેર જનતાના ઉપયોગ માટે બ્રિજ યોગ્ય નથી. IIT રૂરકી દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે,બ્રિજને ચાલુ કરવા પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજની લોડ કેપિસિટીની તપાસ કરવામાં આવી ન હતી.
આ અહેવાલમાં બ્રિજના બાંધકામ માટે ઉપયોગમાં લેવાયેલા કોંક્રીટની ગુણવત્તાની પણ ટીકા કરવામાં આવી હતી. પરિણામે મ્યુનિ. દ્વારા કોન્ટ્રાક્ટરને બ્લેક-લિસ્ટ કરવામાં આવ્યો અને સ્ટાફના 7 લોકો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હાટકેશ્વર વિસ્તારના રહેવાસીઓએ બ્રિજના નબળા બાંધકામ સામે આવાજ ઉઠાવ્યો હતો. બ્રિજના બાંધકામના ચાર વર્ષ દરમિયાન લોકોને જે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તેવી જ સમસ્યાઓ ફરી એકવાર થઇ રહી છે. તે વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ ગૂગલ મેપમાં હાટકેશ્વર બ્રિજનું નામ બદલીને ‘હાટકેશ્વર કરપ્શન ઓવર બ્રિજ’ રાખ્યું હતું.