આપણું ગુજરાત

ગુજરાત હાઈકોર્ટના મહિલા વકિલ મુંબઈ જતી ટ્રેનમાંથી ભેદી સંજોગોમાં ગુમ

મૂળ કેરળના વતની અમદાવાદમાં રહેતા ગુજરાત હાઈકોર્ટના મહિલા એડવોકેટ અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં મુસાફરી દરમિયાન ગુમ થઇ ગયા હોવાની કાલુપુર રેલવે સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કેરળના કન્નુરના વતની અને અમદાવાદના રહેવાસી શીજા ગિરીશ સોમવાર સવારે 7:10 વાગ્યે અમદાવાદથી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઈ જવા રવાના થયા હતા, તેઓ એ દિવસે સાંજે મુંબઈ પહોંચવાના હતા. પરંતુ ટ્રેન વાપી પહોંચી એ બાદ તેમનો કોઈ સંપર્ક થઇ શક્યો નથી.

મહિલા એડવોકેટના પરિવારજનોના જણાવ્યા અનુસાર, તેઓ કોર્ટ સંબંધિત કામ માટે મુંબઈ જઈ રહ્યા હતા. ટ્રેનમાં ચડ્યાના થોડા કલાકો બાદ તેમણે બપોરના 12 વાગ્યે ફોન કર્યો અને ટ્રેન વાપી પહોંચી ગઈ હોવાનું જણાવ્યું હતું. મુંબઈ પહોંચ્યા પછી ફોન કરવાનું પણ કહ્યું હતું, પરંતુ સાંજે સુધી તેમનો આવ્યો ન હતો. સામેથી ફોન કરતા તેમણે ઉપાડ્યો ન અગતો. વોટ્સએપ મેસેજનો પણ કોઈ રિપ્લાય મળ્યો ન હતો. થોડા સમય પછી, ફોન સ્વિચ ઓફ થઈ ગયો.

તેની પુત્રી અનુગ્રહા નાયરે જણાવ્યું હતું, તેમના વોટ્સએપ એકાઉન્ટ પર મેસેજ ડીલીવર થવાનું બંધ થઈ ગયું છે અને ડિસ્પ્લે પિક્ચર હટાવી દેવામાં આવ્યું. તેઓ કામ પૂરું કર્યા પછી બીજા દિવસે અમદાવાદ પરત આવવાના હતા. મળતી માહિતી મુજબ, શરૂઆતમાં જ્યારે પરિવારે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ન તો રેલવે પોલીસ અને ન તો સ્થાનિક પોલીસ તેમની ફરિયાદ સ્વીકારવા તૈયાર થઈ.

અનુગ્રહા નાયરેના જણાવ્યા મુજબ, જ્યારે અમે રેલવે પોલીસ પાસે ગયા, ત્યારે તેઓએ અમને સ્થાનિક પોલીસ પાસે જવા કહ્યું હતું. જ્યારે અમે ત્યાં ગયા ત્યારે તેઓએ અમને રેલવે પોલીસ પાસે જવા સૂચના આપી. જેમાં અમારો ઘણો સમય બગડ્યો. આખરે, આજે અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પોલીસ ગુમ થયેલી વ્યક્તિ અંગેની ફરિયાદના આધારે કેસની તપાસ કરી રહી છે.
અનુગ્રહા નાયરેએ કહ્યું હતું કે એક વર્ષ પહેલા એક કેસના સંબંધમાં એક શખ્સ તેની માતાને ધમકી આપતો હતો. એક વ્યક્તિએ મારી માતા વિરુદ્ધ બાર કાઉન્સિલમાં નકલી ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તે અમારા ઘરે આવ્યો હતો અને અમને ધમકી આપી હતી. અમે તેની સામે ફરિયાદ નોંધાવી છે અને કેસ હજુ પેન્ડિંગ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button