બાયડ-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત...
આપણું ગુજરાત

બાયડ-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત…

અમદાવાદ: ગુજરાતમાં દિવસે દિવસે રોડ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે બાયડ-અમદાવાદ રોડ પર આંબલિયારા ગામ નજીક ફરી એક વખત બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હોવાના અહેવાલો મળ્યા છે. આ અકસ્માત ઝડપી કાર અને બાઈકની ટક્કરને કારણે થયો, જેમાં વાહનચાલકોની બેદરકારી મોટું કારણ માનવામાં આવે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 10 સપ્ટેમ્બરની સાંજે લગભગ 6 વાગ્યે બાયડ-અમદાવાદ રોડ પર આંબલિયારા ગામ નજીક એક ઝડપી બલેનો કાર (નંબર GJ 01 HY 0804) બાઈક સાથે ટકરાઈ.

બાઈક પર યોગેશ લુજાભાઈ વસૈયા (ઉંમર 31), તેમની પત્ની નિરૂબેન (ઉંમર 23) અને પુત્ર આરવકુમાર (ઉંમર 7) સવાર હતા. કારચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા આ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે બાઈકને જોરદાર ટક્કર લાગી અને તે સળગવા લાગી, જ્યારે કાર રોડની બાજુમાં ખેતરમાં ઘસડાઈ ગઈ હતી.

આ દુર્ઘટનામાં યોગેશભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે નિરૂબેન અને આરવકુમાર ગંભીર રીતે ઘાયલ થયા. બંનેને તાત્કાલિક જીતપુરની હોસ્પિટલમાં લઈ જવાયા, પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. મૃતકો ઝાલોદ તાલુકાના ગાવડિયા ગામના રહેવાસી હતા.

અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો. આંબલિયારા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા અને પરિવારજનોને સોંપવાની કાર્યવાહી શરૂ કરી.

પોલીસે ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. સ્થાનિક લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે, જેથી ઘટનાની તપાસ ઝડપથી આગળ વધી શકે.

આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે, કારણ કે વાહનચાલકોની બેદરકારીને લીધે નિર્દોષ લોકોના જીવ ગુમાવવા પડે છે. ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થયું હતું.

પરંતુ બાઈકસવારોને સમયસર સારવાર ન મળતા તેમનું મોત થયું. આ ઘટનાએ રસ્તા પરની સલામતી અને ટ્રાફિક નિયમોના પાલનની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે.

આ પણ વાંચો…વારંવાર ટ્રાફિક ભંગ કરતા હો તો સુધરી જાજો, પોલીસે તૈયાર કરી યાદી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button