નવરાત્રી પછી પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્: જાણો ચોમાસાની વિદાય ક્યારે થશે?

ગાંધીનગર: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય લંબાઈ રહી છે, પરિણામે સામાન્ય જનતાની સાથે વેપારીવર્ગમાં પણ ચિંતાનો માહોલ છે. સામાન્ય રીતે આ સમય દરમિયાન ચોમાસાની વિદાય થઈ ચુકી હોય છે. પરંતુ આ વર્ષ વિદાયના સમયે અરબ સાગરમાં બનેલા શક્તિ વાવાઝોડાએ ચોમાસાની વિદાય અટકાવી દીધી હતી.
જેના કારણએ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જોકે હવે આ વાવાઝોડું નબળું પડી ગયું છે અને હવે ‘ડિપ્રેશન’માં ફેરવાઈ ગયું છે. ‘શક્તિ વાવાઝોડું’ નબળું પડતા જ ચોમાસાના સિઝનની વિદાય એંધાણ આવતા દેખાયા હતા. પરંતુ હવામાન પ્રણાલીઓના કારણે રાજ્યમાં હજી પણ હળવો વરસાદ અને ગાજવીજની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ‘શક્તિ વાવાઝોડું’ પશ્ચિમ મધ્ય અરબ સાગરમાં નબળું પડીને વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાયું છે અને આજે લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ જશે. આ ડિપ્રેશન ઓમાનના મસીરાહથી 270 કિમી દક્ષિણપૂર્વ, રાસ અલ હદ્દથી 390 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ, અલ-ગૈદાહ (યમન)થી 970 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ, અને ગુજરાતના દ્વારકા તથા નલિયાથી અનુક્રમે 950 અને 970 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત હતું. આ સિસ્ટમ 8 કિમી/કલાકની ઝડપે પૂર્વ-દક્ષિણપૂર્વ દિશામાં આગળ વધી રહી છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
જોકે, વાવાઝોડું નબળું પડ્યું હોવા છતાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રચાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં હજી પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આવતીકાલે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થવાની શક્યાતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જ્યારે 10 ઓક્ટોબરે વરસાદની તીવ્રતા ઘટવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય હાલ વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી અને શાહજહાંપુર પરથી પસાર થઈ રહી છે. આગામી 3-4 દિવસમાં ગુજરાતના બાકીના ભાગો, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. સ્કાયમેટ વેધર અનુસાર, ઉત્તર બંગાળની ખાડીમાં 8 ઓક્ટોબરની આસપાસ નવું સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે, જે 3-4 દિવસ સુધી સક્રિય રહી શકે છે.
ઉત્તરપૂર્વ ભારતમાં ચોમાસાની પ્રવૃત્તિ સામાન્ય રીતે 10 ઓક્ટોબર પછી ચાલુ રહે છે અને 15 ઓક્ટોબરની આસપાસ સમાપ્ત થાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં રચાયેલી નવી હવામાન સિસ્ટમ નબળી પડીને વિખેરાઈ શકે છે અથવા ઉત્તરપૂર્વ તરફ આગળ વધી શકે છે. ગુજરાતમાં હવામાન હવે ધીમે ધીમે સ્થિર થઈ રહ્યું છે, અને ચોમાસાની વિદાય સાથે શિયાળાની શરૂઆતની અપેક્ષા રાખવામાં આવે છે.