દશેરા પર મોંઘા થયા ફાફડા-જલેબી, છતાં દુકાનોની બહાર લાંબી કતારો
દેશભરમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દેશમાં વિવિધ રીતે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. દશેરાની રાત્રે રાવણના પૂતળાનું દહન કરીને અનિષ્ટ પર સત્યની જીતની ઉજવણી કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે નવ દિવસની નવરાત્રિમાં ગરબે ઘૂમ્યા બાદ ગુજરાતીઓ ફાફળા અને જલેબી ખાઈને દશેરાના દિવસની શરૂઆત કરે છે.
દર વર્ષે દશેરાના દિવસે ગુજરાતમાં કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જાય છે. આજે પણ દશેરાની વહેલી સવારથી ફાફડા અને જલેબીની દુકાનો બહાર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. બજારમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ફાફડા અને જલેબી 50 રૂપિયા પ્રતિ કિલો મોંઘા વેચાઈ રહ્યા છે. આ વર્ષે સરેરાશ ફાફડા 650 રૂપિયા પ્રતિ કિલો અને જલેબી 800 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.
ફાફડા-જલેબીમાં ભેળસેળ ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં 12 ટીમોએ શહેરમાં 102 જગ્યાએથી ફાફડા જલેબીના સેમ્પલ લીધા છે. ફાફડા કેવા તેલમાં તળવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેલ અને ચણાના લોટની ગુણવત્તા પણ તપાસવામાં આવી રહી છે.
મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા સેમ્પલને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. આ સેમ્પલનો રિપોર્ટ લગભગ 10 દિવસ પછી આવશે. ત્યાં સુધીમાં ગુજરાતીઓ કરોડોની કિંમતના ફાફડા જલેબી ખાઈ ગયા હશે.
સુરતમાં ફરસાણની દુકાનો બહાર સવારે 5:30 વાગ્યાથી લોકોની લાઈનો લાગવાનું શરૂ થઈ ગયુ હતું. એક અંદાજ મુજબ સુરતીઓ દશેરાના દિવસે 8થી 10 કરોડ રૂપિયાના ફાફડા જલેબી ખાઈ જતા હોઈ છે.