ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાને દારૂબંધીને ગણાવી ‘દંભી’, પહેલ બદલ સરકારનો માન્યો આભાર!
અમદાવાદ: “દારૂ છૂટ આપવી હોય તો સમગ્ર ગુજરાતમાં આપો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોલેરા અને કચ્છમાં પણ છૂટ આપો, લઠ્ઠાને બદલે લોકો સારો દારૂ તો પીશે!” આવું કહીને એક સમયે ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચુકેલા શંકરસિંહ વાઘેલાએ દારૂમાં સરકારે આપેલી છૂટનું આડકતરી રીતે સમર્થન કર્યું છે.
ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાય તે પહેલા રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે જેમાં ગાંધીનગર ખાતે આવેલી ગિફ્ટ સિટીમાં દારૂના સેવનની છૂટ આપવામાં આવી છે. ઈન્ટરનેશનલ ટ્રેડ અને ફાઈનાન્સના હબ ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ આપવાના હેતુથી ‘ડાઈન વિથ વાઈન’ની છૂટ અપાઈ છે. જોકે, તે માટેના ચોક્કસ નિયમો પણ હશે, લોકો હોટેલ, રેસ્ટોરાં અને ક્લબોમાં દારૂનું સેવન કરી શકાશે પરંતુ દારૂનું વેચાણ કરી શકશે નહિ.
આ નિર્ણયને ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, અલ્પેશ ઠાકોર જેવા સત્તાપક્ષના નેતાઓએ વધાવ્યો છે તો બીજી બાજુ શક્તિસિંહ ગોહીલ, ગેનીબેન ઠાકોર જેવા વિપક્ષના નેતાઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે, જો કે આ બધાની વચ્ચે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ અલગ જ નિવેદન આપ્યું છે.
પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે “દારૂબંધીની નીતિ દંભી છે. જો સરકારે પહેલ કરી છે તો આખા ગુજરાતમાં અમલવારી કરાવો. માત્ર રૂપિયાવાળાને દારૂની છૂટ ન આપો. લઠ્ઠા જેવો દારૂ પીવો એના કરતા સારો દારૂ પીવાય. દારૂબંધીની નીતિના કારણે ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે. દારૂના રવાડે ચડેલાને પાછા વાળી શકાય છે, પરંતુ ડ્રગ્સના રવાડે ચડેલાને નહી. સરકારે આટલા વર્ષે હિંમત કરી ત્યારે હું સરકારને અભિનંદન આપું છું.”
આ સાથે જ તેમણે ઉમેર્યું હતું, “હું પોતે દારૂ પીતો નથી. કોઇ પીવે એ મને ગમતું નથી. મારા પરિવારમાં પણ કોઇ પીતું નથી. આ નકામું છે, તેમ છતાં પીવાવાળા પીવે જ છે. આથી સરકારે ફરજ અદા કરવી જોઇએ જેથી યુવાધન બરબાદ ન થાય. આવક માટે દારૂબંધી ખોલવી જોઇએ તેમ નહિ પણ જે આવક ઉભી થાય તેનો સકારાત્મક કામોમાં ઉપયોગ થઇ શકે છે, મેડિકલ સારવાર ફ્રી આપો, શિક્ષણ ફ્રી આપો, આ બધા વિશે સરકારે જલ્દી નિર્ણય લેવો જોઇએ.”
આમ, ગિફ્ટસીટીમાં દારૂના સેવનની છૂટને પગલે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. તમામ નેતાઓમાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના નિવેદનની ચારેકોર ચર્ચા થઇ રહી છે.