ભલે મારા નામે કોઈ ઘર નથી, પણ…: પીએમ મોદી

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે છોટા ઉદયપુર જિલ્લાના બોડેલીમાં એક જનસભાને સંબોધિત કરી હતી અને આ સંબોધનમાં તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિપક્ષે આરક્ષણની રાજનીતિ કરી હતી.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી હું મુખ્ય પ્રધાન નહોતો બન્યો ત્યાં સુધી ગુજરાતના આદિવાસી વિસ્તારમાં એક પણ સાયન્સ કોલેજ નહોતી. આ ઉપરાંત તેમણે મહિલા આરક્ષણના બિલ લઈને પણ વિપક્ષને શાબ્દિક ચાબખા માર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મારા નામે ભલે કોઈ ઘર નથી, પરંતુ મેં દેશની અનેક દીકરીઓના નામ પર ઘર આપવા માટે કામ કર્યું છે. ત્રણ દાયકાથી હવામાં અદ્ધરતાલ રહેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમારી સરકારે અમલમાં મૂકી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગરીબોને ઘર, પાણી, રસ્તો, વીજળી અને શિક્ષણ ઉપલબ્ધ કરાવવી એ અમારી પ્રાથમિકતા છે. આજે દેશભરમાં ગરીબો માટે ચાર કરોડથી વધુ પાકા મકાનો બાંધવામાં આવ્યા છે. આદિવાસીઓને એમની ઈચ્છા પ્રમાણે ઘર બનાવી આપવામાં આવ્યા છે.
Wonderful to be among the vibrant people of Chhota Udepur. Speaking at launch of various educational and infrastructural initiatives. https://t.co/gDnvlIZbU5
— Narendra Modi (@narendramodi) September 27, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા અને જ્યાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજે તેમણે બોડેલી ખાતે જાહેર સભાને સંબોધન કરવાની સાથે સાથે અનેક વિકાર કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.