અડધે ભાદરવે પણ ભુજ દેશનું સૌથી ગરમ મથક

એક તરફ બંગાળની ખાડીમાં ઉભી થઇ રહેલી મૌસમી પ્રણાલીને પગલે વાવાઝોડાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે બીજી તરફ રણપ્રદેશ કચ્છમાં ભાદરવા મહિનાના પ્રખર તાપે જનજીવનને બાનમાં લીધું છે.
સૂર્યમાં એટલો તાપ છે કે, કચ્છમાં જાણે ઇજિપ્ત,અલ્જેરિયા,સાઉદી અરેબિયાના દેશો જેવી ગરમી અનુભવાઈ રહી છે.
આજે ભુજ ૩૮ ડિગ્રી સેલ્સિયસ જેટલા મહત્તમ તાપમાન સાથે દેશનું સૌથી ગરમ મથક બનવા પામ્યું છે.
વાતાવરણમાંથી ભેજ અદ્રશ્ય થતાં અને પવનો પણ મંદ પડી જતાં ગરમીની અનુભૂતિ ૪૧ ડિગ્રી સે.જેટલી થવા પામી રહી છે જે વિશ્વના ગરમ પ્રદેશોની સમકક્ષ છે.
ભારે ગરમીના કારણે બપોરની પાળીમાં રહેલાં ભૂલકાંઓને ભારે હાલાકી પડી રહી છે અને સંખ્યાબંધ બાળકો પ્રખર લૂ ને કારણે બીમાર પડી રહ્યાં છે.
આજે ભુજનું તાપમાન સાઉદી અરેબિયાના અબુધાબી, કુવેત, મલેશિયાના ક્વાલાલંપુર, ઇન્ડોનેશિયાના જકાર્તા, દુબઇ અને હોંગકોંગ કરતાં પણ ઊંચું રહેવા પામ્યું છે.
હજુ ભાદરવા મહિનાને એક પખવાડિયાનો સમય બાકી હોઈ, આ ભાદરવી ગરમી ક્યાં જઈને અટકશે તે વાત ટોક ઓફ ઘી ટાઉન બનવા પામી છે.
દરમ્યાન, આવી રહેલા નવરાત્રીના તહેવારોને પગલે મુંબઈ સહિતના સ્થળોએથી શ્રદ્ધાળુઓ પગપાળા કચ્છના લખપત તાલુકાના માતાનામઢ ખાતેના આશાપુરા મંદિર તરફ રવાના થયા છે.
તેમને ગરમી સામે રક્ષણ મેળવવા ખાસ એડ્વાઇસરીની જરૂરત હોવાનો નિર્દેશ તબીબો કરી રહ્યા છે.
ભુજના એક જાણીતા તબીબ ડો.નેહલ વૈદ્યના જણાવ્યા પ્રમાણે કચ્છમાં હાલે વિચિત્ર પ્રકારના તાવના કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે ત્યારે આવી પ્રખર ગરમીથી નાકમાંથી રક્તસ્ત્રાવ થવાની ઘટનાઓ પણ વધી રહી છે. જો આગાહી પ્રમાણે એકાદ ઝાપટું થાય તો જ લોકોને ગરમીમાંથી રાહત મળવાની સંભાવના ઉભી થશે બાકી આ ગરમી લોકોને તોબા પોકારાવશે એ વાત નક્કી છે.