ભૂપત ભાયાણીના નિવેદન અંગે ચૂંટણી પંચે આપી પ્રતિક્રિયા, શું કહ્યું જાણો?

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા પુરુષોત્તમ રૂપાલા બાદ હવે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણી બાદ હવે ચૂંટણી પંચ સતર્ક બન્યું છે. બે દિવસ પહેલા આમ આદમી પાર્ટી (આપ)ના પૂર્વ ધારાસભ્ય અને હવે ભાજપમાં જોડાયેલા ભૂપત ભાયાણીએ વિવાદસ્પ્દ ટિપ્પણી કરતાં તેમના નિવેદનને ચોતરફથી વખોડવામાં આવ્યું છે. આ મુદ્દે આજે રાજ્યના ચૂંટણી પંચે કહ્યું હતું કે નેતાઓએ વાણી પર સંયમ રાખજો નહીં તો પગલાં લેવામાં આવશે.
જોકે, રાજ્યના ચૂંટણી પંચે પણ કહ્યું છે કે ભાયાણી વિરુદ્ધ ફરિયાદ આવશે ત્યારે એના પ્રમાણે કાર્યવાહી થશે. હાલમાં, વિસાવદરમાં ભૂપત ભાયાણીના નિવેદન પર ચૂંટણી પંચે સ્થાનિક રીતે અહેવાલ મગાવ્યો છે.
રાજ્યના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ કહ્યું હતું કે ચૂંટણી પંચે 19 કેસમાં સૂઓમોટો કાર્યવાહી કરી છે, જે રાજકીય પાર્ટીના નેતાઓ અને ઉમેદવારો સામે છે. કોઈ સ્પેસિફિક કિસ્સામાં વિગતો મેળવીને કાર્યવાહી કરવામાં આવશે ચૂંટણી સભાના કિસ્સામાં કોઈ આચારસંહિતાનો ભંગ થયો છે કે નહીં તે બાબતો ચકાસીને પગલાં લેવામાં આવશે.
જોકે, રાજ્યના ચૂંટણી પંચે કેવા પ્રકારના પગલાં લેશે, ક્યારે લેશે અને કેવી રીતે લેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, એમ રાજકીય વર્તુળે જણાવ્યું હતું. ચૂંટણી લોકસભાની હોય કે વિધાનસભાની .દેશ આખામાંથી વિવાદિત નિવેદનો,જાતિગત ટિપ્પણીઓ અને વ્યક્તિગત પ્રહારોનો સિલસિલો ચાલ્યો જ આવ્યો છે.ક્યારે કોઈ ઉમેદવાર કે કોઈ નેતા પર ક્યારે પગલાં લેવાયા છે ? તેનો પણ એક અલગ ઇતિહાસ છે.